નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનમાં અડધી રાત્રે ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પોનો ખુરદો બોલાવ્યો હતો. આ હુમલામાં જૈશના 300 આતંકીઓ મોતને ઘાટ ઉતર્યા હતાં. નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NTRO)ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, જ્યારે બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી ત્યારે ત્યાં 300 મોબાઇલ ફોન સક્રિય હતા.

એનટીઆરઓ અને રૉએ ભારતીય વાયુસેનાને બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના કેંપમાં 280થી વધારે મોબાઇલ ફોન એક્ટિવ હોવાની જાણકારી આપી હતી. આ જાણકારી બાદ ભારતીય વાયુસેનાના મિરાજ લડાકુ વિમાને જૈશના કેંપ પર એર સ્ટ્રાઇક કરી હતી.


આ ઉપરાંત સોમવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની વધુ એક નાપાક કોશિશને નિષ્ફળ કરી દીધી છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડ્યું છે. આ ડ્રોન રાજસ્થાનની બિકાનેર સીમા પર સવારે 11.30 કલાકની આસપાસ તોડી પાડવામાં આવ્યું હતું.


ભારતની એર સ્ટ્રાઇક બાદ ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરનારા પાકિસ્તાનનીએ વાયુસેનાના F-16 નામના યુદ્ધ વિમાનને પણ ભારતે તોડી પાડ્યું હતું. તો એ જ દિવસે કચ્છ બોર્ડર પર પણ પાકિસ્તાનનું એક ડ્રોન વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. આમ દુનિયાભરમાં ફજેતી થયા બાદ પણ પાકિસ્તાન જાણે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું.