AAP Candidates for Lok Sabha Elections: આમ આદમી પાર્ટી (AAP) એ દેશની રાજધાની દિલ્હીમાં 4 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. મંગળવારે (27 ફેબ્રુઆરી, 2024) કરવામાં આવેલી જાહેરાત હેઠળ નવી દિલ્હીથી સોમનાથ ભારતી, દક્ષિણ દિલ્હીથી સાહી રામ પહેલવાન, પૂર્વ દિલ્હીના કુલદીપ કુમાર અને પશ્ચિમ દિલ્હીના મહાબલ મિશ્રાને તક આપવામાં આવી હતી.


AAP નેતા સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, "AAP વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાનો ભાગ છે. અમે આજે 5 ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છીએ, જેમાંથી 4 દિલ્હીના હશે." AAP નેતાઓના જણાવ્યા અનુસાર, AAP રાજ્યસભાના પૂર્વ સાંસદ અને હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તા દિલ્હીને અડીને આવેલા હરિયાણાના કુરુક્ષેત્રથી ચૂંટણી લડશે.  


એબીપી ન્યૂઝે પહેલેથી જ માહિતી આપી હતી કે AAP ફક્ત તેના ધારાસભ્યો પર જ વિશ્વાસ મૂકશે. કુલદીપ કુમાર, સોમનાથ ભારતી અને સાહી રામ પહેલવાન આ ત્રણેય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. મહાબલ મિશ્રા કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા હતા. તેમના પુત્ર વિનય મિશ્રા દ્વારકાના ધારાસભ્ય છે. આ વખતે ચૂંટણી આમ આદમી પાર્ટી માટે મહત્વની છે કારણ કે તે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. દિલ્હીમાં લોકસભાની કુલ સાત બેઠકો છે. કોંગ્રેસ ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.


કુલદીપ કુમાર- કોંડલીના ધારાસભ્ય છે. તેઓ રિઝર્વ કેટેગરીમાં આવે છે.
સોમનાથ ભારતી- સોમનાથ ભારતી જલ બોર્ડના ઉપાધ્યક્ષ છે. દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. માલવિયા નગર સીટથી ધારાસભ્ય છે
સાહી રામ પહેલવાન- તુગલકાબાદથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. પાયાના સ્તરના નેતા માનવામાં આવે છે.
મહાબલ મિશ્રા- કોંગ્રેસના જૂના નેતા રહી ચૂક્યા છે. સાંસદ રહી ચૂક્યા છે. પુત્ર ધારાસભ્ય છે.


દિલ્હીના મંત્રી ગોપાલ રાયે કહ્યું, "પૂર્વ દિલ્હી લોકસભા સીટ પરથી  આમ આદમી પાર્ટીએ આજે ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ એક સામાન્ય સીટ છે. દિલ્હીમાં પહેલીવાર કોઈ અનામત કેટેગરીના ઉમેદવારને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ગોપાલ રાયે કહ્યું કે આ બેઠકો જીતવી એ અમારું લક્ષ્ય છે.


ગુજરાતમાં બે બેઠકો પર લડેશે આપ


આપ અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનમાં આજે 2 બેઠકો આપને ફાળે ગઈ છે. આપે એડવાન્સમાં ભરૂચ અને ભાવનગર બેઠક માટે ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ભરૂચ લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. પાર્ટી છેલ્લા 35 વર્ષથી સતત આ સીટ જીતી રહી છે. આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સતત છઠ્ઠી વખત સાંસદ છે.