Punjab Assembly Election Result 2022: પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીતના એક દિવસ બાદ રાજ્યમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ભગવંત માન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઘર પર મુલાકાત કરી. મુલાકાત દરમિયાન પંજાબના આગામી મુખ્યમંત્રી ભગવંત માને દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાને પગે લાગ્યા હતા. અરવિંદ કેજરીવાલે માનને ગળે લગાવી લીધા હતા. પંજાબમાં શાનદાર જીત બાદ ભગવંત માનની કેજરીવાલ સાથે તેમના ઘર પર ઔપચારિક મુલાકાત હતી.


આમ આદમી પાર્ટીએ 117 સદસ્યોની વિધાનસભામાં 92 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસને માત્ર 18 બેઠકો મળી છે. આમ આદમી પાર્ટીએ શિરોમણી અકાલી દળ-બહુજન સમાજપાર્ટીનો પણ સફાયો કરી નાખ્યો છે. અકાલી દળને 3 બેઠકો જ્યારે ભાજપને 2 બેઠકો અને બસપાને માત્ર એક બેઠક મળી. વિધાનસભા ચૂંટણીમાં ચન્ની, પ્રકાશસિંહ બાદલ અને અમરિંદર સિંહ સહિત ઘણા દિગ્ગજોને હારનો સામનો કરવો પડ્યો છે. ચન્ની બંને બેઠકો પર હારી ગયા. 



દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી અભિનંદન પ્રાપ્ત કરવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. વડાપ્રધાને ગુરુવારે રાત્રે ટ્વિટ કરીને આમ આદમી પાર્ટીને પંજાબમાં જીત પર અભિનંદન પાઠવ્યા હતા.


મોદીએ ટ્વીટ કર્યું હતું કે પંજાબ ચૂંટણીમાં જીત માટે આમ આદમી પાર્ટીને અભિનંદન. હું પંજાબના કલ્યાણ માટે કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપું છું." વડાપ્રધાનના આ ટ્વિટનો જવાબ આપતા કેજરીવાલે લખ્યું, "આભાર સર."


પંજાબમાં AAPએ કુલ 92 સીટો જીતી છે
ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. રાજ્યમાં આમ આદમી પાર્ટીએ ગુરુવારે યોજાયેલી મત ગણતરીમાં રાજ્યની વિધાનસભાની 117 બેઠકોમાંથી 92 બેઠકો જીતી, કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ-BSP ગઠબંધનને ઘણું પાછળ છોડી દીધું.


AAPના ઉમેદવારોએ ઘણા મોટા ચહેરાઓને હરાવ્યા
આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, શિરોમણી અકાલી દળ (SAD)ના દિગ્ગજ નેતા પ્રકાશ સિંહ બાદલ, તેમના પુત્ર સુખબીર સિંહ બાદલ અને પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ જેવા મોટા નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો. AAPએ રાજ્યમાં ત્રણ-ચતુર્થાંશ બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને 18, SAD 3, BJP 2 અને બહુજન સમાજ પાર્ટીએ 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. એક અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી જીત્યો છે.