આજે પાર્ટીની નેશનલ કાઉન્સિલની બેઠકમાં કેજરીવાલે કહ્યું, દેશભરના લોકો દિલ્હીમાં આપના સુશાસનની વાત કરી રહ્યા છે. દેશમાં દરેક જગ્યાએ લોકો દિલ્હીની જેમ વિજળી અને પાણીની સબ્સિડી અને કલ્યાણકારી યોજનાઓ ઈચ્છે છે. અમારે એક મજબૂત સંગઠન બનાવવાની જરૂર છે.... આગામી બે વર્ષમાં અમારી પાર્ટી ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી લડશે. લોકો તૈયાર છે અને હવે અમારે માત્ર તેમની પાસે પહોંચવાનું છે.
આ કારોબારીની બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દેશનો ખેડૂત ખૂબ દુઃખી છે, છેલ્લા 25 વર્ષમાં સાડા ત્રણ લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે, નવા ખેડૂત બિલથી ખેડૂતોની ખેતી ઝૂંટવીને મૂડીવાદીઓને આપવાની તૈયારી છે. 26 જાન્યુઆરીએ થયેલી હિંસા દુર્ભાગ્યપૂર્ણ હતી પરંતુ ખેડૂતો પર ખોટા કેસ થઈ રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજકાલ આપણા દેશનો ખેડૂત વધુ દુઃખી છે. 70 વર્ષથી તમામ પાર્ટીઓએ મળીને ખેડૂતોને છેતર્યા છે. ક્યારેક કહે છે ખેડૂતોની લોન માફ કરીશું, પણ કોઈએ લોન માફ કરી નથી. ખેડૂતોના સંતાનોને નોકરી આપવાનું વચન આપ્યું પણ નોકરી ન આપી. છેલ્લા 25 વર્ષમાં સાડા ત્રણ લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે.