Delhi Liquor Policy Case:  દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને એક્સાઈઝ પોલિસીના મામલે મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે (28 એપ્રિલ) તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ એમકે નાગપાલે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે.


 






હવે નીચલી કોર્ટના આ નિર્ણય સામે સિસોદિયા હવે દિલ્હી હાઈકોર્ટમાં જશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું હતું કે તપાસ "નિર્ણાયક" તબક્કામાં છે અને AAPના વરિષ્ઠ નેતાએ નીતિને જાહેર મંજૂરી છે તે બતાવવા માટે ખોટા ઈમેલ બનાવ્યા હતા.


મનીષ સિસોદિયાએ શું દાવો કર્યો?


સિસોદિયાની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તપાસ માટે હવે તેમની કસ્ટડીની જરૂર નથી. AAPના નેતાઓ સતત દાવો કરી રહ્યા છે કે આ સમગ્ર મામલો ખોટો છે અને કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ગુરુવારે (27 એપ્રિલ) કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 12 મે સુધી લંબાવી હતી. અગાઉ, 31 માર્ચે, દિલ્હીની કોર્ટે સીબીઆઈ દ્વારા નોંધાયેલા એક્સાઇઝ પોલિસી કેસમાં સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.


કોર્ટે કહ્યું હતું કે સિસોદિયા આ કેસમાં પ્રથમ નજરે ગુનાહિત કાવતરાના માસ્ટરમાઈન્ડ હતા અને તેમણે દિલ્હી સરકારમાં તેમના અને તેમના સહયોગીઓ માટે લગભગ 90-100 કરોડ રૂપિયાની એડવાન્સ લાંચની કથિત ચુકવણી સંબંધિત ગુનાહિત કાવતરામાં "સૌથી મહત્વપૂર્ણ અને અગ્રણી ભૂમિકા" ભજવી હતી. કોર્ટે કહ્યું હતું કે આ સમયે સિસોદિયાની મુક્તિ તપાસને અસર કરી શકે છે અને તેની પ્રગતિ "ગંભીર રીતે અવરોધિત" થઈ શકે છે. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી.


કુસ્તીબાજોના જાતીય શોષણના આરોપો પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી


હરિયાણાના કેટલાક કુસ્તીબાજોએ રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. તેઓ આ મામલે વિરોધ કરીને બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી રહ્યા છે. આજે (28 એપ્રિલ) આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.


હરિયાણાના કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીનો કેસ નોંધવાની વિનંતી સાથે લગભગ એક અઠવાડિયા પહેલા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. તેમણે પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે સિંહ પર લગાવવામાં આવેલા આરોપો છતાં પોલીસે કોઈ કેસ નોંધ્યો નથી, તેથી કોર્ટે દરમિયાનગીરી કરવી જોઈએ. આ મામલે કોર્ટે સરકારને નોટિસ પાઠવીને આ મામલે સુનાવણી માટે આજની તારીખ નક્કી કરી હતી.


આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલા ખેલાડીઓએ તેમની અરજીમાં તેમના પર ગંભીર આરોપો લગાવ્યા છે, તેથી આ મામલે કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવશે. દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનું કહેવું છે કે જ્યાં સુધી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે. પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોમાં સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા જેવા સ્ટાર રેસલર્સનો સમાવેશ થાય છે.