Supreme Court Suo motu Register Cases :  નફરત ફેલાવતા ભાષણ કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અપ્રિય ભાષણ સામે સ્વત:સંજ્ઞાન લઈને પગલાં લેવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તેના 2022ના આદેશને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લંબાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, ભારતના ધર્મનિરપેક્ષ ચરિત્રને જાળવી રાખવા માટે ધર્મની પરવા કર્યા વિના ભૂલ કરનારાઓ સામે પગલાં લેવામાં આવે. 


આ અગાઉસુપ્રીમ કોર્ટે આ આદેશ યુપી, દિલ્હી અને ઉત્તરાખંડ સરકારને જ આપ્યો હતો. હવે આ આદેશ તમામ રાજ્યોને આપવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું હતું કે, ધિક્કારજનક ભાષણ એટલે કે હેટ સ્પીચ એ રાષ્ટ્રના માળખાને અસર કરતી ગંભીર અપરાધ છે. તે આપણા પ્રજાસત્તાકના હૃદય અને લોકોની ગરિમાને અસર કરે છે.


અપ્રિય ભાષણ કેસમાં અગાઉની સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અપ્રિય ભાષણ પર વધતી જતી સર્વસંમતિ છે અને ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં ધર્મના આધારે નફરતના અપરાધ માટે કોઈ અવકાશ નથી. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, નફરતભર્યા ભાષણ પર કોઈ સમાધાન થઈ શકે નહીં. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, જો રાજ્ય અપ્રિય ભાષણની સમસ્યાને સ્વીકારે તો જ તેનો ઉકેલ મળી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આવા કોઈપણ જઘન્ય અપરાધથી તેના નાગરિકોનું રક્ષણ કરવું એ રાજ્યની પ્રાથમિક ફરજ છે.


સુઓમોટો કોગ્નિઝન્સ લઈને કાર્યવાહીનો નિર્દેશ આપતાં કોર્ટે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ કરે છે કે બંધારણની પ્રસ્તાવનામાં કલ્પના કરાયેલા ભારતના બિનસાંપ્રદાયિક પાત્રને સુરક્ષિત કરી શકાય છે, તેથી તાત્કાલિક પગલાં લેવા જોઈએ.


નફરતભર્યા ભાષણ કેસને લગતી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 51Aનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, આ આર્ટિકલ વૈજ્ઞાનિક સ્વભાવમાં વાત કરવાનું કહે છે પરંતુ ધર્મના નામે આપણે ક્યાં પહોંચી ગયા છીએ? આ ખૂબ જ કમનસીબ સ્થિતિ છે.


કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર વચ્ચે કોર્ટનો આદેશ આવ્યો


ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટનો આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે રાજકીય પક્ષો કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તાજેતરમાં, કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનને લઈને બેંગલુરુમાં ફરિયાદ નોંધાવી છે.