નવી દિલ્હીઃ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પર દેશદ્રોહી નારાઓને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. જાવડેકરે કહ્યું કે, આ સાથે જોડાયેલા એક મામલામાં કોર્ટ દ્ધારા વારંવાર કહેવા છતાં કેસ ચલાવવાની મંજૂરી નહી આપવાના કારણે સાબિત થાય છે કે કેજરીવાલ દેશદ્રોહી નારા લગાવનારાઓનું સમર્થન કરી રહ્યા છે. જાવડેકરે દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ચૂંટણી પ્રભારી, દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક બાદ કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કોર્ટ વારંવાર પૂછી રહી છે કે તમે દેશદ્રોહી નારા વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપો પરંતુ એમ જ કહેવું પડશે કે મુખ્યમંત્રી જે દેશદ્રોહી નારાઓનું સમર્થન કરી રહ્યા છે.
નોંધનીય છે કે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી સંગઠન અધ્યક્ષ કન્હૈયા કુમાર પર યુનિવર્સિટી પરિસરમાં દેશદ્રોહી નારા લગાવવા મામલામાં દિલ્હી પોલીસે પ્રારંભિક તપાસના આધાર પર ચાર્જશીટ દાખલ કરી કેસ ચલાવવા માટે દિલ્હી સરકારના ગૃહમંત્રાલય પાસે મંજૂરી માંગી છે. કેજરીવાલ સરકાર દ્ધારા તેની મંજૂરી નહી આપવાના કારણે કોર્ટમાં કેસ શરૂ થઇ શક્યો નથી.
જાવડેકરે કહ્યું કે, એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે જેએનયૂમાં લગાવાયેલા દેશદ્રોહી નારાને કેજરીવાલનું સમર્થન છે. જો સમર્થન ના કરતા હોત તો તે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી હોત પરંતુ કોર્ટ દ્ધારા વારંવાર કહેવા છતાં એટલા માટે મંજૂરી આપવામાં આવી રહી નથી તે મનથી આ નારાઓને સમર્થન આપી રહ્યા છે.