એર માર્શલ આરકેએસ ભદૌરિયા હશે એરફોર્સના આગામી વડા, ઉડાવી ચૂક્યા છે રાફેલ
abpasmita.in | 19 Sep 2019 06:16 PM (IST)
તેઓ એર ચીફ માર્શલ બીએસ ધનોઆનું સ્થાન લેશે. બીએસ ધનોઆ 30 સપ્ટેમ્બરના રોજ ચીફ ઓફ એર સ્ટાફના પદ પરથી નિવૃત થઇ રહ્યા છે.
નવી દિલ્હીઃ એર વાઇસ ચીફ એર માર્શલ આરકેએસ ભદૌરિયા એરફોર્સના આગામી પ્રમુખ હશે. સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તાના મતે સરકારે આગામી એરફોર્સના વડાના રૂપમાં આરકેએસ ભદૌરિયાના નામને મંજૂરી આપી દીધી છે. તેઓ એર ચીફ માર્શલ બીએસ ધનોઆનું સ્થાન લેશે. બીએસ ધનોઆ 30 સપ્ટેમ્બરના રોજ ચીફ ઓફ એર સ્ટાફના પદ પરથી નિવૃત થઇ રહ્યા છે. એર વાઇસ ચીફ એર માર્શલ આરકેએસ ભદૌરિયા ભારતીય એરફોર્સના સૌથી શાનદાર પાયલટોમાંના એક છે. તેઓ અત્યાર સુધીમાં 27થી વધુ પ્રકારના ફાઇટર અને પરિવહન વિમાનો ઉડાવી ચૂક્યા છે. જેમાં રાફેલ પણ સામેલ છે. તે રાફેલ ફાઇટર જેટની ખરીદી ટીમના ચેરમેન રહ્યા છે. રાફેલ વિમાન ઉડાવ્યા બાદ તેમણે કહ્યું હતું કે રાફેલ ફાઇટર પ્લેન દુનિયાનું બેસ્ટ વિમાન છે. તે આવ્યા બાદ ભારતીય એરફોર્સની તાકાત અનેક ગણી વધી જશે. સુખોઇ અને રાફેલની જોડીની તાકાત આગળ પાકિસ્તાન અને ચીન હવે ભારત વિરુદ્ધ કોઇ નાપાક હરકત નહી કરી શકે. એર વાઇસ ચીફ એર માર્શલ ભદૌરિયા પ્રાયોગિક ટેસ્ટ પાયલટ હોવાની સાથે કૈટ એ કેટેગરીના ક્વોલિફાઇટ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને પાયલટ અટેક ઇન્સ્ટ્રક્ટર પણ છે. તેમને વાયુસેના મેડલ, અતિ વિશિષ્ટ સેવા પદક અને પરમ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.