નવી દિલ્હી: કેરળમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી તારીખની જાહેરાત બાદ રાજ્યમાં સત્તા મેળવવાના પ્રયાસો તમામ પાર્ટીઓએ શરૂ કરી દીધા છે. તેની વચ્ચે abp ન્યૂઝે સી વોટર સાથે મળીને રાજ્યના મતદારોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો. ઓપિનિયન પોલમાં એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે, શું મુખ્યમંત્રી પિનરાય વિજયન ફરી એક વાર સત્તામાં આવશે કે કેરળના લોકો કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) ને તક આપશે.

કોને કેટલી બેઠકો મળશે ?

ઓપિનિયન પોલ અનુસાર, LDFના ખાતામાં આ વખતે 83-91 સીટો મળી શકે છે અને UDFને 47-55 બેઠકોથી સંતોષ કરવો પડી શકે છે. જ્યારે ભાજપને માત્ર 0-2 સીટો મળતી નજર આવી રહી છે. અન્યને 0-2 બેઠકો જ મળતી નજર આવી રહી છે.

મુખ્યમંત્રી તરીકે  પહેલી પસંદ કોણ ?

ઓપિનિયલ પોલમાં એ પણ સવાલ કરવામાં આવ્યો કે, રાજ્યમાં લોકો મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ કોને પસંદ કરે છે. તેના જવાબમાં 38.5 ટકા લોકોએ મુખ્યમંત્રી તરીકે પિનરાઈ વિજયનને પોતાની પહેલી પસંદ ગણાવી છે. જ્યારે 27 ટકા લોકોએ કૉંગ્રેસના ઓમાન ચાંડીને પોતાની પ્રથમ પસંદગી ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે, કેરળની 140 વિધાનસભા બેઠકો પર 6 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. જ્યારે પરિણામ 2 મેના રોજ આવશે. બહુમતી માટે 71 બેઠકોની જરૂર છે.

હાલમાં કેરળમાં સીપીઆઈ(એમ)ના નેતૃત્વવાળી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ની સરકાર છે. પિનરાઈ વિજયન રાજ્યના મુખ્યમંત્રી છે. 2016ની ચૂંટણીમાં એલડીએફ 91 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસની આગેવાનીવાળી યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) એ 47 બેઠકો જીતી હતી.