નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી ભલે તૃણમૂલ કૉંગ્રેસને ટક્કર આપી રહ્યું હોય પરંતુ હાલ ટીએમસી આગળ છે. સીવોટરના ઓપિનિયન પોલ મુજબ ટીએમસીને 150થી 166 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને 98થી 114 બેઠકો મળવાનું અનુમાન છે. કૉંગ્રેસ અને લેફ્ટના ખાતામાં 23થી 31 બેઠકો આવી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 3થી 5 બેઠકો આવી શકે છે.
ઓપિનિયન પોલ મુજબ -
તૃણમૂલ કૉંગ્રેસને 150 થી 166 બેઠકો
ભાજપને 98 થી 114
કૉંગ્રેસ- લેફ્ટ ગઠબંધનને 23 થી 31
અને અન્યને 3-5 બેઠકો મળી શકે છે.
પશ્ચિમ બંગાળમાં થયેલા આ સર્વેમાં સીવોટરનો એક સવાલ એ પણ હતો કે જો આજે ચૂંટણી થાય તો લોકો કોને વોટ આપશે અને કોની સરકાર બનશે. આશરે 43 ટકા લોકોનું કહેવું છે કે ટીએમસીને વોટ આપશે અને 42 ટકા લોકોનું માનવું છે કે તૃણમૂલ કૉંગ્રેસની જ સરકાર બનશે. જ્યારે 38 ટકા લોકો ભાજપને વોટ દેશે અને 39 ટકા લોકોનું માનવું છે કે ભાજપની સરકાર બનશે. કૉંગ્રેસ અને લેફ્ટ ગઠબંધનને વોટ આપનારા 13 ટકા લોકો છે. જ્યારે 12 ટકાનું માનવું છે કે આ ગઠબંધનની સરકાર બનશે. અન્ય પાર્ટીઓને વોટ આપનારાઓની સંખ્યા 5 ટકા છે જ્યારે 7 ટકાનું કહેવું છે કે અન્યની સરકાર બનશે.
પશ્ચિમ બંગાળમાં ગત ચૂંટણી 2016માં ટીએમસીને 44.9 ટકા મત મળ્યા હતા, એવુ અનુમાન છે કે આ વખતે વોટ શેર દોઢ ટકા ઓછો થઈ 43.4 ટકા રહી શકે છે. ભાજપને ઘણો ફાયદો જોવા મળી રહ્યો છે. ગત ચૂંટણીમાં 10.2 ટકા વોટ મળ્યા હતા, જે આ વખતે વધીને 38.4 ટકા થવાનું અનુમાન છે, એટલે કે 28.2 ટકાનો ફાયદો જોવા મળી રહ્યો છે. કૉંગ્રેસ અને લેફ્ટ ગઠબંધનને સૌથી વધુ નુકસાન જોવા મળી રહ્યું છે. ગત વખતે તેમને 37.9 ટકા વોટ મળ્યા હતા, આ વખતે 12.7 ટકા વોટ મળવાનું અનુમાન છે. ગત ચૂંટણીમાં અન્યને 7 ટકા મત મળ્યા હતા, આ વખતે 5 ટકા મત મળવાનું અનુમાન છે.
પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી 30 બેઠકો પર 27 માર્ચે મતદાન થશે. જ્યારે બીજા તબક્કમાં 30 બેઠકો પર, એક એપ્રિલના ત્રીજા તબક્કા માટે 31 બેઠકો પર મતદાન થશે. ચોથા તબક્કા માટે 6 એપ્રિલે 44 બેઠકો પર, પાંચમાં તબક્કામાં 45 બેઠકો પર 17 એપ્રિલે, છઠ્ઠા તબક્કા માટે 43 બેઠકો પર 22 એપ્રિલ, સાતમાં તબક્કા માટે 36 બેઠકો પર 26 એપ્રિલ અને આઠમાં તબક્કા માટે 29 એપ્રિલે 35 બેઠકો પર મતદાન થશે. 2મેના દિવેસ પરિણામની જાહેરાત કરવામાં આવશે.