પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને TMC વચ્ચે રાજકીય જંગ જામ્યો છે. ટીએમસી રેલીઓ કરી 10 વર્ષની ઉપલબ્ધિ જણાવી રહી છે તો ભાજપ મોદી સરકારના કામકાજના સહારે રાજ્યની સત્તા પર પહેલી વખત બિરાજવા આતુર છે. ભાજપ ગતવર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પોતાની સફળતાને લઈ ઉત્સાહિત છે અને હવે બે તૃતિયાંસ બહુમત સાથે સરકાર બનાવવા માટે શાનદાર પ્રચાર કરી રહી છે.

કૉંગ્રેસ-લેફ્ટે તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ સામે મુકાબલા માટે ગઠબંધન કર્યું છે. લોકોને તક આપવાની અપીલ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા લોકોનો મિજાજ જાણવા એબીપી ન્યૂઝ માટે CNX નામની રિસર્ચ અને સર્વે એજંસીએ ઓપિનિયન પોલ કર્યો હતો. લોકોનો મૂડ જાણવા કે તેઓ કોને પશ્ચિમ બંગાળની સત્તા સોંપવા માંગે છે.

કોને કેટલી બેઠકો મળી શકે છે

TMC- 151 (± 5)
BJP- 117 (± 5 )
CONG+LEFT- 24
OTH- 2

સર્વે મુજબ, મમતા બેનર્જીને એપ્રીલ મેમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે પરંતુ તેઓ ફરી એક વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બની શકે છે. ટીએમસીને 151 બેઠકો મળી શકે છે.જ્યારે ભાજપને 117 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસ-લેફ્ટ ગઠબંધનને 24 બેઠકોથી સંતોષ કરવો પડશે. અન્યના ખાતામાં બે બેઠકો આવી શકે છે.

વોટ શેરની વાત કરીએ તો, ટીએમસીને સૌથી વધુ 41 ટકા વોટ, જ્યારે ભાજપને 37 ટકા, લેફ્ટને 17 ટકા અને ઓવૈસીની પાર્ટી AIMIMને 1 ટકા અને અન્યોને 4 ટકા વોટ શેર મળવાનો અંદાજ છે.

આ ઓપિનિયન પોલમાં લોકોને આમને સામને રાખીને તૈયાર કરાયો છે. એટલુ જ નહીં 294 બેઠકમાંથી 112 સીટ પર થયેલા સર્વેમાં 8 હજાર 960 લોકો સાથે વાતચીત કરવામાં આવી છે.