નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીના ઓખલાથી ધારાસભ્ય અમાનતુલ્લા ખાન વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરી છે. અમાનતુલ્લા ખાન પર વકફ બોર્ડના ફંડમાં ગરબડ અને રિક્રૂટમેન્ટમાં અનિયમિતતા કરવાનો આરોપ છે. એસીબી ચીફ અરવિંદ દીપે કહ્યુ કે, અમાનતુલ્લા ખાન પર વકફ બોર્ડના ચેરમેન રહેતા ફંડમાં ગરબડ કરવાનો આરોપ લાગ્યો હતો આ મામલામાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરવામાં આવશે. હાલમાં અમાનતુલ્લા ખાનની ધરપકડ નહી થાય.


દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ આપ ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આરોપ લાગતા વિપક્ષને મુદ્દો મળી ગયો છે. જોકે, ગયા મહિને ઉત્તર પ્રદેશના ગાજિયાબાદના કોતલાવી પોલીસ સ્ટેશનમાં રમખાણો ભડકાવવાનો આરોપ લાગ્યો હતો જેના પર પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી. ધારાસભ્ય પર આરોપ લાગ્યો છે કે ઉત્તર પ્રદેશમાં હિંસા ભડકાવવ્યા બાદ ઘાયલ થયેલા લોકોને પાંચ લાખ રૂપિયા અને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. આ મામલામાં પણ અમાનતુલ્લાની ધરપકડ થઇ નથી. 2015માં પ્રથમવાર અમાનતુલ્લા ખાન આપમાંથી ઓખલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.