મુંબઈ: કેન્દ્રીય પરિવહન મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ લોકસભાની ચૂંટણી સમયે ઉપયોગમાં લેવાયેલા પાર્ટીના અચ્છે દિનના સૂત્ર અંગે વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યું છે કે, આ સુત્ર અમારા ગળામાં હાડકાંની જેમ ફસાઈ ગયું છે. મુજબ મુંબઈમાં ઉદ્યોગજગતના એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને જ્યારે પુછવામાં આવ્યું કે અચ્છે દિન હવે ક્યારે આવશે ત્યારે ગડકરીએ તેમને પુછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું છે કે, અચ્છે દિન ક્યારેય નથી આવતા.
તેમણે કહ્યું કે, વાસ્તવમાં આ વાત મનમોહનસિંહ દ્વારા ઉલ્લેખ કરવામાં આવી હતી. પ્રવાસી ભારતીયોના કાર્યક્રમમાં તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહનસિંહે કહ્યું હતું કે, અચ્છે દિન આવવા માટે રાહ જોવી પડશે. તેના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, અમારી સરકાર આવશે તો અચ્છે દિન આવશે.
ગડકરીએ કહ્યું કે, આજ વાત તેમણે વડાપ્રધાન મોદીએ કરી હતી. ગડકરીએ મિડિયાને તેમના નિવેદનને ખોટી રીતે રજૂ ન કરવાની સલાહ આપતા કહ્યું હતું કે, આપણો દેશ અસંતુષ્ટ આત્માઓનો મહાસાગર છે જ્યાં જેની પાસે કઇક છે તેને વધુ જોઇએ છે અને તે પુછતો જ રહે છે અચ્છે દિન કબ આયેંગે.
ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આજ સુત્ર અચ્છે દિન આયેંગે ઉપર કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવા સુધીની સફળતા મેળવી લીધી હતી. હવે જ્યારે સરકારે અઢી વર્ષનો કાર્યકાળ પુરો કર્યો છે તેવા સમયે વડાપ્રધાન મોદી સિવાય મંત્રીમંડળના અન્ય મંત્રીઓ જે કોઇપણ સ્થળે જાય છે ત્યાં તેઓને અચ્છે દિન કબ આયેંગે એવો સવાલ પુછવામાં આવે છે જેની પ્રતિક્રિયાના ભાગરુપે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ પ્રશ્નથી પીછો છોડાવવા માટે આ નિવેદન આપ્યું હોવાનું મનાઈ રહ્યું છે.