નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 69 લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 73,272 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 926 દર્દીઓના મોત થયા છે. રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં 82,753 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ભારતમાં કોરોના રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં રિકવરી રેટ 85.81 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.54 ટકા છે.

અત્યાર સુધી ભારતમાં કુલ 69,79,424 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 1,07,416 દર્દીઓના આ સંક્રમણથી મોત થયું છે, જ્યારે સંક્રમણમાંથી કુલ 59,88,822 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે.
એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો

ભારતમાં હાલ 8,83,185 એક્ટિવ કેસ છે, જેની સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે અને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

એક મહીના પહેલા 9 સપ્ટેમ્બરે ભારતમાં 8,97,394 એક્ટિવ કેસ હતા. એટલે કે કુલ સંક્રમિત દર્દીઓના  12.65 ટકા છે. આ સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઘટી રહેલા એક્ટિવ કેસને જોતા ડિસેમ્બર મહિનાથી જીવન સામાન્ય થઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસના આંકડા પર નજર કરવામાં આવે તો નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 15 સપ્ટેમ્બરે સૌથી વધુ 1283 લોકોનાં મોત થયાં હતાં અને 16 સપ્ટેમ્બરે સૌથી વધુ 97 હજાર 865 નવા કેસ નોંધાયા હતા, 21 સપ્ટેમ્બરે સૌથી વધુ 1 લાખ 2 હજારથી વધુ દર્દી સાજા થયા હતા.

ઉલ્લેખનીય છે કે, 17 ઓક્ટોબરથી તેજસ એક્સપ્રેસ ફરીથી શરુ થવા જઈ રહી છે. રેલવેમંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, યાત્રા દરમિયાન યાત્રીઓને માસ્ક અને ફેસ શિલ્ડ પહેરવાં પડશે. આરોગ્ય સેતુ એપ રાખવી પણ જરૂરી હશે. તમામ યાત્રીઓને કોવિડ-19 સુરક્ષા કિટ પણ આપવામાં આવશે. તેજસ એક્સપ્રેસ ટ્રેન લખનઉ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલે છે.