જયપુર: રાજસ્થાનના કરૌલીમાં પુજારીની હત્યા પર હંગામો થયો છે. ગ્રામ્ય પરિવાર યોગ્ય વળતર અને આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવા પર અડગ છે. પુજારીના ગામના લોકો ધરણા પર બેઠા છે. પરિવારનું કહેવું છે કે પુજારીના અંતિમ સંસ્કાર ત્યાં સુધી નહી કરીએ જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ નહી થાય.

કરૌલી જિલ્લાના સપોટરામાં પેટ્રોલ છાંટીને સળગાવી દેવાયેલા પૂજારી બાબુલાલ વૈષ્ણવની લાશ શુક્રવારે મોડી રાત્રે તેના ગામે પહોંચી હતી. એ પછી શનિવારે સવારે મોટી સંખ્યામાં ભાજપ નેતા અને કાર્યકર્તાઓ પીડિત પરિવારના ઘરે પહોંચ્યા. બીજીતરફ, પીડિત પરિવારની માંગ છે કે આરોપીઓની ધરપકડ કરવામાં આવે. તેમની મદદ કરનારા પટવારી અને પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ પગલા લેવામાં આવે. આ ઉપરાંત પરિવારે 50 લાખ રૂપિયાનું વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે એવી માગણી પણ કરી છે. આ સાથે પરિવારે સુરક્ષા પણ માગી છે.

પીડિત પરિવારે કહ્યું જ્યાં સુધી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અંતિમસંસ્કાર કરવામાં નહીં આવે. જ્યારે સાંસદ ડો. કિરોડીલાલ મીણા, પૂર્વ ધારાસભ્ય માનસિંહ પણ પીડિત પરિવારના ઘરે પહોંચી ગયા છે. કિરોડીલાલ મીણાએ કહ્યું હતું, ગામની તમામ જાતિઓના પંચ-પટેલોની સાથે વાતચીત પછી આ નિર્ણય લેવાયો છે કે પૂજારી પરિવારને દરેક સ્થિતિમાં ન્યાય મળવો જોઈએ. ગુનેગારોને આકરી સજા થવી જોઈએ.