હૈદરાબાદ: કોંગ્રેસ નેતા વિજયા શાંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. નોટબંધી મામલે પરોક્ષ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો હતો કે, લોકો ડરી રહ્યા છે તેમને ખબર નથી કે મોદી ક્યારે બોમ્બ ફોડી દેશે. લોકો સાથે પ્રેમ કરવાના બદલે તે લોકોને ડરાવી રહ્યા છે. એક પ્રધાનમંત્રીએ આવા કામ કરવા જોઈએ નહીં.



કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટીને બેઠકને સંબોધિત કરતા વિજયા શાંતિએ કહ્યું હતું કે, આગામી ચૂંટણી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેનો મુકાબલો છે. પૂર્વ સાંસદે કહ્યું હતું કે, રાહુલ લોકતાંત્રિક વ્યવસ્થા માટે લડી રહ્યાં છે જ્યારે મોદી એક તાનાશાહની જેમ કામ કરી રહ્યાં છે. જેમના કાર્યકાળમાં લોકશાહીની હત્યા કરી દેવાઈ અને લોકોને પરેશાન કરાયા. તેમણે તેલુગુમાં કહ્યું હતું કે, તેઓ આગામી પાંચ વર્ષમાં એ જ રીતે શાસન કરવા માંગે છે પરંતુ લોકો તેમને તક આપશે નહીં.



અભિનેત્રી રહી ચૂકેલી વિજયા શાંતિએ કહ્યું હતું કે, ભાજપથી દરેક લોકો ડરેલા છે. તેઓ ડરે છે કે, આતંકવાદીની જેમ મોદીજી ખબર નહીં ક્યારે કયો બોમ્બ ફોડી દે. તેમણે કહ્યું હતું કે, લોકોની દુઆઓ લેવાની જગ્યાએ લોકોને ડરાવી રહ્યાં છે.