AFSPA Act: અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના કેટલાક ભાગોમાં 'આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ' (AFSPA) ને 1 ઓક્ટોબરથી આગામી છ મહિના માટે લંબાવવામાં આવ્યો છે. AFSPA અશાંત વિસ્તારોમાં તૈનાત સશસ્ત્ર દળોના જવાનોને 'કાયદો અને વ્યવસ્થા જાળવવા' માટે જરૂરી જણાય તો તપાસ કરવા, ધરપકડ કરવા અને ફાયરિંગ કરવા માટે વ્યાપક સત્તાઓ આપે છે. આ કાયદાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના કેટલાક જિલ્લાઓ અને પોલીસ સ્ટેશન વિસ્તારોમાં AFSPA ઘણા વર્ષોથી અમલમાં છે. સરકાર દ્વારા સમયાંતરે તેની મુદત લંબાવવામાં આવી છે. દર વર્ષે સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે, જેમાં એ જણાવવામાં આવે છે કે કયા વિસ્તારોમાં AFSPAનો સમયગાળો વધારવામાં આવી રહ્યો છે. સરકાર પણ આ પાછળ પોતાનો તર્ક આપે છે.
અરુણાચલ પ્રદેશના કયા વિસ્તારોમાં AFSPA લાગુ છે?
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 24 માર્ચ, 2023ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન દ્વારા 'આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ', 1958 (1958નું 28) ની કલમ 3 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને અરુણાચલ પ્રદેશના તિરપ, ચાંગલાંગ સહિતના જિલ્લાઓ અને આસામ રાજ્યની સરહદે અરુણાચલ પ્રદેશના નામસાઈ જિલ્લાના નામસાઈ, મહાદેવપુર અને ચૌખમ પોલીસ સ્ટેશન વિસ્તારોને 'અશાંત ક્ષેત્ર' તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
મંત્રાલયના જણાવ્યા અનુસાર અરુણાચલ પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ફરી સમીક્ષા કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ' હવે અરુણાચલ પ્રદેશના તિરપ, ચાંગલાંગ અને લોંગડિંગ જિલ્લાઓ અને આસામની સરહદે આવેલા અરુણાચલ પ્રદેશના નમસાઈ જિલ્લાના નામસાઈ, મહાદેવપુર અને ચૌખમ પોલીસ સ્ટેશન વિસ્તારોને AFSPA, 1958 હેઠળ 1 ઓક્ટોબર,2023થી આગામી છ મહિના માટે અથવા જ્યાં સુધી આદેશ પાછો ખેંચવામાં ન આવે ત્યાં સુધી 'અશાંત વિસ્તાર' જાહેર કરવામાં આવે છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 24 માર્ચ, 2023 ના રોજ એક નોટિફિકેશનના માધ્યમથી નાગાલેન્ડના આઠ જિલ્લાના 21 પોલીસ સ્ટેશન વિસ્તારો અને અન્ય પાંચ જિલ્લાઓને એપ્રિલથી છ મહિનાના સમયગાળા માટે 'અશાંત વિસ્તારો' તરીકે જાહેર કર્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાગાલેન્ડમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ફરી સમીક્ષા કરવામાં આવી હતી.