નવી દિલ્હીઃ ગુરુવારે થનારી રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી માટે મહત્વની છે. ભાજપ રાજ્યસભામાં ભલે સૌથી મોટું જૂથ હોય પરંતુ એનડીએના ઉમેદવારને જીતાડવા માટે પૂરતું સંખ્યાબળ નથી. આ કારણે ભાજપ માટે દરેક વોટ મહત્વનો છે. તેથી લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહેલા અરૂણ જેટલી ત્રણ મહિના બાદ રાજ્યસભા પહોંચશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી સરકારના વરિષ્ઠ મંત્રી અરૂણ જેટલી ઉપસભાપતિ ચૂંટણીમાં વોટ આપશે. જેટલી રાજ્યસભામાં એનડીએ ઉમેદવાર હરિવંશના પક્ષમાં એક પ્રસ્તાવ વાંચીને ઔપચારિકતા પૂરી કરશે. જે બાદ વોટિંગની પ્રક્રિયા શરૂ થશે.
244 સભ્યોવાળી રાજ્યસભામાં જો એનડીએ ઉમેદવારના પક્ષમાં અડધાથી વધારે વોટ પડશે તો હરિવંશને વિજેતા જાહેર કરાશે. જો આમ થશે તો વિપક્ષના ઉમેદવાર અને કોંગ્રેસ સાંસદ બી કે હરિપ્રસાદના પક્ષમાં કોંગ્રેસના પ્રસ્તાવની જરૂર નહીં પડે.