નવી દિલ્હીઃ ગત સપ્તાહે ભારત સરકારે ચીનની 59 વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે બાદ ખાલિસ્તાન સમર્થિત ગ્રુપ શીખ ફોર જસ્ટિસ સાથે સંકળાયેલી 40 વેબસાઈટોને અલગતાવાદી ગતિવિધિનું સમ્થન કરવા માટે કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુકી દીધો છે.

એસએફજે પ્રતિબંધિત સંગઠન છે. સરકારે થોડા દિવસો પહેલા ખાલિસ્તાની ગ્રુપ સાથે સંકળાયેલા 9 લોકોને આતંકી જાહેર કર્યા બાદ આ મોટી કાર્યવાહી કરી છે. વેબસાઇટો પર કાર્યવાહી કરવામાં આવી હોવાની જાણકારી ગૃહ મંત્રાલયે ટ્વિટ કરીને આપી હતી.



મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું છે, યૂએપીએ, 1967 અંતર્ગત એક ગેરકાનૂની સંગઠન શીખ ફોર જસ્ટિસના એક ઉદ્દેશથી સમર્થકોની નોંધણી કરવા માટે અભિયાન ચલાવ્યું હતું. ગૃહ મંત્રાલયની ભલામણ પર ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આઈટી એક્ટની કલમ 69A હેઠળ એસએફજેની 40 વેબસાઈટ  પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો છે.

MeitY ભારતમાં સાઇબર સ્પેસની દેખરેખ માટે નોડલ એજન્સી છે. રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે ગૃહ મંત્રાલયે એસએફજે પર તેની કથિત રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. એસએફજેએ તેના એજન્ડામાં શીખ રેફરેંડમ 2020ને વધારો આપ્યો હતો. અમેરિકા સ્થિત આ સંગઠને ખાલિસ્તાન પર જનમત સંગ્રહના રજિસ્ટ્રેશન માટે 4 જુલાઈને ઉદ્ધાટન દિવસ જાહેર કર્યો હતો. થોડા દિવસો પહેલા ગૃહ મંત્રાલયે અલગાવવાદી ખાલિસ્તાની સંગઠન સાથે સંકળાયેલા જે નવ લોકોને આતંકી જાહેર કર્યા હતા તેમાંથી ચાર પાકિસ્તાનમાં છે.