પુરીઃ દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યો છે, જેનો સામનો કરવા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનો આજે 11મો દિવસ છે. હાલ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3600ને પાર પહોંચી ગઈ છે, જ્યારે 76 લોકોના મોત થયા છે. આ દરમિયાન ઓડિસાના પુરીમાં એક ગામને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. જે પાછળનું કારણ વ્યક્તિ દિલ્હીના નિઝામુદ્દીનમાં થયેલા જમાતના કાર્યક્રમમાં સામેલ થયો હતો.

પુરી જિલ્લાના પિપિલી બ્લોકમાં દાનોહિર ગામમાં દિલ્હીના નિઝામુદ્દીનથી પરત ફરેલા વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ પુરી જિલ્લા પ્રશાસને સાવધાનીના ભાગરૂપે કોવિડ-19નું સંક્રમણ ગામમાં ફેલાતું અટકે તે માટે સમગ્ર વિસ્તારને જ સીલ કરી દીધો છે.

પુરીના કલેકટર બલવંત સિંહે જણાવ્યું કે, ગામને એક નિયંત્રિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યું છે અને 4 એપ્રિલ સવારે 7 વાગ્યાથી 14 એપ્રિલની રાત સુધી સીલ રહેશે. આ ઉપરાંત ગામની નજીકના વિસ્તારો જેવાકે દાનાગોહિર, છાક, જયાપુ છક અને જયાપુર સાસન છાકને પણ કોરોના વાયરસના ચેપથી બચાવવા માટે બંધ કરી દેવામાં આવ્યા છે.



જિલ્લા પ્રશાસનના કહેવા મુજબ, આ વિસ્તારમાં તમામ પ્રકારની મૂવમેન્ટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. લોકોને તેમના ઘરમાંથી બહાર નહીં નીકળવા જણાવાયું છે. બહારના લોકોને આ વિસ્તારમાં પ્રવેશ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે. આ દરમિયાન જિલ્લા તંત્રના અધિકારીઓ લોકોને જરૂરી વસ્તુઓનો પૂરવઠો પૂરો પાડશે.