નવી દિલ્હી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી કુલ 2902 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાં 1023 કેસ તબલીઘી જમાત સાથે જોડાયેલા છે. જોકે શનિવારે કોરોના વાયરસના સંક્રમણના 500થી વધારે કેસ નોંધાયા હતાં. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 145 કેસ છે. આ ઉપરાંત દેશમાં 6 લોકોના શનિવારે મોત નીપજ્યાં છે.

દેશમાં સંક્રમિતોની સંખ્યા 3,671 થઈ ગઈ છે. આ સંખ્યા covid19india.org વેબસાઇટ પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 525 દર્દીઓ વધ્યાં છે. અત્યાર સુધીનો આ સૌથી વધારે આંકડો છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 3072 થઈ ગઈ છે. જેમાંથી 213 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યાં છે અને 75 દર્દીઓના મોત નીપજ્યાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડના પ્રમાણે, કોવિડ-19થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 19 લોકોનાં મોત થયા છે. જ્યારે બીજા નંબરે ગુજરાત છે. અહીં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે. તે સિવાય તેલંગણામાં 7, દિલ્હીમાં 6, પંજાબમાં 5, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં 3-3, ઉત્તર પ્રદેશ, કેરળ અને જમ્મુ-કાશ્મીરમાં 2-2 અને આંધ્રપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુમાં 1-1 મોત થયું છે.

દેશમાં કોરોના વાઇરસમાં ઝડપથી થયેલા વધારાનું કારણ તબલીઘી જમાત છે. સ્વાસ્થ્ય વિભાગે શનિવારે આ વાત જણાવી છે. સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, સંક્રમણના 30 ટકા કેસ જમાતના મરકજમાંથી પાછા આવેલા લોકોને કારણે વધ્યા છે.