મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ તરફથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ હવે તેમની ખુરશી છિનવાઈ શકે છે. સૂત્રોની જાણકારી મુજબ, ઉદ્ધવ ઠાકરે અનિલ દેશમુખ પાસેથી રાજીનામું લઈ શકે છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ એક તરફ ભાજપ હમલાવર છે અને તે અનિલ દેશમુખના રાજીનામાની માંગ કરી રહી છે તો બીજી તરફ ગૃહ મંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરમબીર સિંહ પોતાને બચાવવા માટે ખોટા આરોપો લગાવી રહ્યા છે.


ભાજપે માંગ્યું દેશમુખનું રાજીનામું


ભાજપના સીનિયર નેતા દેવેંદ્ર ફડણવીસે કહ્યું, અમારી માંગ છે કે ગૃહ મંત્રી અનિલ દેશમુખ તાત્કાલિક રાજીનામું આપે અથવા  તેમને પદ પરથી હટાવવામાં આવે અને આ તપાસ કેંદ્રીય એજન્સી કરે. જ્યારે ભાજપના પ્રવક્તા રામ કદમે દેશમુખનું રાજીનામું માંગતા કહ્યું, '16 મહિનાથી સરકાર છે. 100 કરોડ માત્ર મુંબઈમાંથી વસૂલવાનું કહેવામાં આવ્યું હતું.  બાકીના અન્ય જિલ્લાઓમાંથી કેટલા વસૂલ્યા હશે. ત્રણ પક્ષની સરકારે જનતા પાસેથી વસૂલી કરવા કહ્યું, આટલું શરમજનક કામ કોઈ રાજ્યમાં અત્યાર સુધી નથી થયું.'


શું છે પરમબીર સિંહના આરોપ ?


પરમબીર સિંહે આરોપ લગાવ્યો છે કે અનિલ દેશમુખ તરફથી દબાણ હતું કે તેમને 100 કરોડ રૂપિયા દર મહિને જોઈએ. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે 100 કરોડ રૂપિયાનો ટાર્ગેટ સચિન વાઝેનો આપવામાં આવ્યો હતો.



આ સાથે જ પરમબીર સિંહે લખ્યું કે આ ટાર્ગેટને પૂરો કરવા માટે મુંબઈના બાર, પબ અને રેસ્ટોરન્ટ પાસેથી રૂપિયા વસૂલવા કહેવામાં આવ્યું હતું. પત્ર મુજબ આ ટાર્ગેટ પર સચિન વાઝેએ કહ્યું હતું કે તેઓ 40 કરોડ પૂરા કરી શકે છે પરંતુ 100 કરોડ ખૂબ જ વધારે છે. પરમબીર સિંહે દાવો કર્યો છે કે 100 કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા અનિલ દેશમુખે સચિન વાઝેને બીજા વિકલ્પો પર વિચાર કરવા કહ્યું હતું.



પરમબીર સિંહે ક્યા-ક્યા આરોપ લગાવ્યા ?



અનિલ દેશમુખે સચિન વાઝેને ઘણી વખત ઘરે મળવા બોલાવ્યા



અનિલ દેશમુખે સચિન વાઝેને ફંડ એકઠુ કરવા માટે કહ્યું 



અનિલ દેશમુખે દર મહિને સચિન વાઝેને 100 કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ આપ્યો હતો.



દરેક બીયર બાર, પબમાંથી 2-3 લાખ રૂપિયા વસૂલવા કહ્યું હતું.



હુક્કા પાર્લર પર પણ દરોડા પાડવા કહ્યું હતું