Agnipath Scheme: અગ્નિપથ યોજના સામે દેશભરમાં યુવાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી, હરિયાણા, બિહાર, બંગાળ સુધી આ પ્રદર્શન હિંસક બની રહ્યું છે. દરમિયાન એરફોર્સના વડા વીઆર ચૌધરીએ કહ્યું હતું કે ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા 24 જૂનથી શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ શુક્રવારે સવારે આ વિરોધ વચ્ચે નિવેદન આપ્યું હતું કે, સરકારે યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. અગ્નિપથ યોજના યુવાનોના હિતમાં છે અને તેની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે કહ્યું, “છેલ્લા બે વર્ષથી યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવાની તક મળી નથી.
તેમણે વધુમાં કહ્યું હતુ કે, સરકારે ઉપલી વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે નવી યોજનાથી વધુ લોકોને નોકરી મળશે.
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશના ઘણા ભાગોમાં સતત ત્રીજા દિવસે ઉગ્ર પ્રદર્શન થઇ રહ્યા છે. બિહાર, ઉત્તર પ્રદેશ બાદ તેલંગણાના સિકંદરાબાદમાં ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી છે. આ ઘટના બાદ ચાર-પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અલીગઢમાં યમુના એક્સપ્રેસ વે પર પ્રદર્શનકારીઓએ કબજો કરી લીધો છે. બિહારના ડેપ્યુટી સીએમના ઘર પર પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો છે.
પ્રદર્શનકારીઓએ બિહારથી લઈને ઉત્તર પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, તેલંગાણા સહિત 11 રાજ્યોમાં હંગામો મચાવ્યો હતો. બિહારના સમસ્તીપુરમાં આજે સવારે બદમાશોએ જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવી દીધી હતી