Agnipath Scheme : અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે સરકારે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી છે. અગ્નિવીર માટે મોટી જાહેરાત કરતી વખતે, સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે અગ્નિવીરોને સંરક્ષણ મંત્રાલયમાં નોકરી માટે 10% જોબ રિઝર્વેશન મળશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ સિવિલિયન પોસ્ટ્સ અને તમામ 16 ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સમાં 10% અનામત લાગુ કરવામાં આવશે. આ આરક્ષણ ભૂતપૂર્વ સૈનિકો માટેના હાલના આરક્ષણ ઉપરાંત હશે.


આ જોગવાઈઓને લાગુ કરવા માટે સંબંધિત ભરતી નિયમોમાં જરૂરી સુધારાઓ કરવામાં આવશે. સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોને તેમના સંબંધિત ભરતી નિયમોમાં સમાન સુધારા કરવાની સલાહ આપવામાં આવશે. જરૂરી ઉંમરમાં છૂટછાટની જોગવાઈ પણ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયમાં નોકરીની 10% ખાલી જગ્યાઓ અગ્નિવીરો માટે આરક્ષિત રહેશે, જેઓ જરૂરી પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે.


વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે યોજી  બેઠક
દેશભરમાં અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. જેમાં સંરક્ષણ મંત્રીએ સેના પ્રમુખો સાથે અગ્નિપથ યોજના અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે અગ્નિવીરોને સંરક્ષણ મંત્રાલયની સિવિલ નોકરીઓમાં 10 ટકા અનામત મળશે. કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ પીએસયુમાં પણ 10 ટકા ક્વોટા આપવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જરૂરી પાત્રતા માપદંડોને પૂર્ણ કરતા અગ્નિવીર માટે સંરક્ષણ મંત્રાલયમાં નોકરીની 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.






ગૃહ મંત્રાલયે પણ જાહેરાત કરી છે
અગાઉ, ગૃહ મંત્રાલય દ્વારા CAPF અને આસામ રાઇફલ્સમાં અગ્નિવીરોને 10% જોબ આરક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત, ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે અને અગ્નિપથ યોજનાની પ્રથમ બેચ માટે આ છૂટ 5 વર્ષની કરવાની જાહેરાત કરી છે.