Agriculture Bill: કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે બિલને ગણાવ્યું ખેડૂતો માટે લાભદાયી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Sep 2020 09:37 PM (IST)
ખેડૂતો સાથે જોડાયેલા બિલને લઇને વિપક્ષી પાર્ટીઓ સતત સરકારનો વિરોધ કરી રહી છે તો ખેડૂતો પણ રસ્તા પર ઉતરી સરકારનો વિરોધ કરી રહ્યા છે
નવી દિલ્હીઃ ખેડૂતો સાથે જોડાયેલા બિલને લઇને વિપક્ષી પાર્ટીઓ સતત સરકારનો વિરોધ કરી રહી છે તો ખેડૂતો પણ રસ્તા પર ઉતરી સરકારનો વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, આ પગલું ખેડૂતોના હિતમાં છે અને તેમની આવકમાં તેનાથી ફાયદો થશે. કેટલીક રાજકીય પાર્ટીઓ જૂઠ ફેલાવવાનું કામ કરી રહી છે. નરેન્દ્રસિંહ તોમરે ટ્વિટ કરતા કહ્યું કે કેટલીક રાજકીય પાર્ટીઓ દ્ધારા જૂઠ ફેલાવીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો અસફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કૃષિ બિલ 2020 પુરી રીતે ખેડૂતોના હિતમાં અને તેમની આવકમાં વધારો કરવા મોદી સરકાર દ્ધારા ઉઠાવવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. અસત્યને ઓળખો, સત્યનો સાથ આપો. અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રાથમિકતામાં હંમેશા ગામ, ગરીબ અને ખેડૂત રહ્યા છે. તેમના દ્ધારા લેવામાં આવેલા તમામ નિર્ણય દેશના હિતમાં હોય છે. ખેડૂત બિલ 2020 પણ આ દિશામાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને પુરો કરશે.