નવી દિલ્હીઃ વીઆઇપી અગસ્ટા હેલિકોપ્ટર કેસમાં મોટો ખુલાસો થયો છે. ઇડી અધિકારીઓની બેદરકારીના  કારણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથનો ભાણીઓ ફરાર થઇ ગયો છે જેનું નામ રાતુલ પુરી છે. આ ઘટના બાદ ઇડીના અધિકારીઓ દોડતા થઇ ગયા છે. ઇડીએ રાતુલ પુરીને પૂછપરછ માટે  બોલાવ્યો હતો. ઇડીએ આરોપ લગાવ્યો હતો કે રાતુલ પુરી પૂછપરછમાં સહયોગ કરી રહ્યો નથી. જેને કારણે તેની ધરપકડ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વાત સાંભળીને પુરી બાથરૂમ જવાની મંજૂરી માંગી હતી. ઇડી અધિકારીઓએ મંજૂરી વિના તેને બાથરૂમ  જવા દીધો જ્યાંથી તે પાછો ફર્યો નહોતો.

એક રિપોર્ટ અનુસાર, રાતુલ પુરીની  શોધ માટે ઇડીની એક ટીમ દિલ્હીમાં કનૉટ પ્લેસની એક હોટલમાં પહોંચી હતી  ત્યાં ઇડી અધિકારીઓને રાતુલ હાથ લાગ્યો નહોતો પરંતુ તેની કાર અને ડ્રાઇવર મળી આવ્યો હતો. કથિત આરોપી રાતુલ પુરી ભાગી જવાના કારણે ઇડીના અધિકારીઓ પર સવાલ ઉઠી રહ્યા છે. નોંધનીય છે કે એક મહિના અગાઉ એક આરોપી સાથે મુલાકાતને કારણે બે તપાસ અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા હતા.


વાસ્તવમાં ઇડીએ કેટલાક દિવસ અગાઉ મુખ્યમંત્રીના ભાણીયા રાતુલ પુરીની અનેકવાર વીવીઆઇપી  હેલિકોપ્ટર કૌભાંડમાં પૂછપરછ કરી હતી. પુરી પર આરોપ છે કે વીઆઇપી અગસ્ટા હેલિકોપ્ટર કેસમાં તેની કંપનીઓમાં દુબઇથી  પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઇડી  તપાસ કરી રહી છે કે આખરે રાતુલની  કંપનીમાં કોના ઇશારે રૂપિયા આવ્યા.