મુંબઈ: મુંબઈ અને તેની આસપાસના વિસ્તાર ભારે વરસાદથી બેહાલ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પણ ટાપુ બની ગયા છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતાં મુંબઈથી 100 કિમી દૂર બદલાપુર-વંગાની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી. જેમાં 700 લોકો ફસાયા હતાં. જેઓનું સુરક્ષિત રેસક્યૂ કરાયું હતું.  મુસાફરોને બચાવવામા માટે 8 બોટ સાથે NDRFની ચાર ટીમ સાથે નેવીની 7 ટીમ અને ઈન્ડિયન એર ફોર્સના બે હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા છે.
ગૃહમંત્રી અમિત શાહે આ ઓપરેશનને પાર પાડવા બદલ બચાવ કાર્યમાં જાડેયાલા લોકોની પ્રશંસા કરી. તેઓએ કહ્યું “એનડીઆરએફ, નૌસેના, વાયુસેના, રલવે અને રાજ્ય વહીવટી ટીમોએ મુંબઈ પાસે મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ફસાયેલા તમામ 700 મુસાફરોને સુરક્ષિત બચાવ્યા છે. અમે ઓપરેશનું નિરક્ષણ કરી રહ્યાં હતા. તેમના પ્રશંસનીય પ્રયાસ માટે બચાવ ટીમનો ખૂબ ખૂબ આભાર.”




ટ્રેનમાં ફસાયેલી 9 મહિલાઓને સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રેસ્ક્યૂ કરાયેલા મુસાફરો માટે 14 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 37 ડૉક્ટર્સ પણ હાજર છે.


મુંબઇમાં રાત્રે 12 વાગ્યાથી અત્યાર સુધી 11 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. જ્યારે 9 ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે. મુંબઈના થાળા, ડોંબિવલી અને બદલાપુર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયું છે. વરસાદના કારણે 13 રેલવેનો રૂટ ડાવર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 2 ટ્રેન રદ કરવામાં આવી છે. જેના કારણે હજારો મુસાફરો પ્રભાવિત થયા છે.