નવી દિલ્હીઃ નવી દિલ્હી સ્થિત એઇમ્સ સાઇબર અટેકનો શિકાર બની છે. સાઇબર ક્રિમિનલ્સે ચેક ક્લોનિંગ મારફતે હોસ્પિટલના બે અલગ અલગ બેન્ક એકાઉન્ટ્સમાંથી લગભગ 12 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. આ ઘટનાની જાણકારી મળતા એઇમ્સના વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

સૂત્રોના મતે કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યાની આ ઘટનાની જાણ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયને કરી દેવામાં આવી છે. ઘટના કેટલાક દિવસ અગાઉની છે. જે બેન્કના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવામાં આવ્યા છે તે દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સંબંધિત બેન્કે પણ આ મામલાની આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. જોકે. અત્યાર સુધીની તપાસમાં બેન્કને કાંઇ હાથ લાગ્યું નથી.

દિલ્હી પોલીસના સૂત્રોએ નામ ન આપવાની શરતે કહ્યુ કે આ સાઇબર ક્રાઇમનો મામલો છે. 12 કરોડ રૂપિયા જે બે એકાઉન્ટ્સમાંથી કાઢવામાં આવ્યા છે તેમાંથી એક એકાઉન્ટ એઇમ્સના નિર્દેશકના નામ અને બીજું ડીનના નામ પર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.