પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે ગેંગરેપ દરમિયાન મહિલા ડોક્ટરે મદદ માટે બૂમો પાડી હતી પરંતુ આરોપીઓએ પકડાઇ જવાના ડરે પીડિતાનું મોં બંધ કરી દીધુ જેથી તેનો અવાજ બહાર જઇ શકે નહીં. તેલંગણા પોલીસે મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ, હત્યા અને સળગાવી દેવાના આરોપમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ મોહમ્મદ આરિફ, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવાના રૂપમાં થઇ છે. પોલીસે જણાવ્યું કે, ગેંગરેપ બાદ આરોપી ડોક્ટરના મૃતદેહને એક ટ્રકમાં નાખીને હાઇવે પર આગળ વધ્યા હતા અને એક પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ અને ડિઝલ ખરીદ્યું હતું.
સાઇબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનરે કહ્યું કે, આખી ઘટનાને કાવતરા હેઠળ અંજામ અપાયો છે. આરોપીઓએ એક મહિલાને ટોલ પ્લાઝા પાસે સ્કૂટી પાર્ક કરતા જોઇ હતી. બાદમાં તેઓએ ગેંગરેપની યોજના બનાવી હતી. મહિલા ડોક્ટર કેબ લઇને ગચિબોવલી ગઇ અને રાત્રે 9 વાગ્યે પોતાની સ્કૂટી લેવા પાછી ફરી હતી. તેણે જોયું કે તેની સ્કૂટીમાં પંકચર છે. દરમિયાન મોહમ્મદ આરિફ તેની મદદના બહાને ત્યાં આવ્યો હતો.
બાદમાં ચારેય આરોપીઓ મહિલા ડોક્ટરને નજીકમાં આવેલા એક ખાલી પ્લોટમાં લઇ ગયા અને તેમના પર ગેંગરેપ કર્યો હતો. નોંધનીય છે કે આ ઘટનાને લઇને રસ્તાથી લઇને સોશિયલ મીડિયા પર પીડિતા ડોક્ટરના હત્યારાઓને કડકમાં સજા અપાવવાની માંગ ઉઠી છે.