નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બાદ આજે હોસ્પિટલ દ્વારા નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું કે, સંસદ સત્ર પહેલા ફૂલ મેડિકલ ચેકઅપ માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે રાત્રે આશરે 11 વાગે તેમને દાખલ કરવામાં આવ્યા હતા.



આ પહેલાં પણ અમિત શાહને 18 ઓગસ્ટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં દાખલ કરાયા હતા. એ વખતે સ્પષ્ટતા કરાઈ હતી કે, અમિત શાહની તબિત બગડી નથી પણ કોરોનાની સારવાર લીધા પછી તેમની તબિયત પર નજર રાખી શકાય એ માટે તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. શાહની તબિયત સારી થઈ જતાં તેમણે હોસ્પિટલમાંથી જ કામગીરી શરૂ કરી હોવાનું દિલ્લી એઈમ્સ દ્વારા જણાવાયું હતું. શાહને લગભગ બે અઠવાડિયાં સુધી એઈમ્સમાં રખાયા પછી થોડા દિવસો પહેલા જ રજા અપાઈ હતી.

અમિત શાહને 2 ઓગસ્ટે કોરોના થતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાહે ખુદ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. 14 ઓગસ્ટે અમિત શાહનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા આપવામાં આવી હતી પણ સાવચેતી ખાતર તે હોમ ક્વોરેન્ટાઈન થયા હતા.

સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખી આ વખતે સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક નહીં યોજાય. આ વખતે બંને ગૃહમાં ગૃહના નેતા અને વિપક્ષના નેતાને બાદ કરતાં કોઈ પણ સભ્યની બેસવાની સીટ નક્કી કરવામાં આવી નથી. આ વખતે સતત 18 દિવસ સુધી સંસદ ચાલશે.