લખનઉઃ ઉત્તર પ્રદેશના લખનઉ જંક્શન પર ગુરુવારે રાત્રે કૃષક એક્સપ્રેસના બે કોચ ડિરેલ થવાના કારણે શુક્રવારે સવાર સુધી ટ્રેનોનું સંચાલન અસ્તવ્યસ્ત રહ્યું હતું. આ કારણે પ્રથમવાર નવી દિલ્હી જનારી તેજસ એક્સપ્રેસ પોણા ત્રણ કલાક મોડી પડી  હતી. એવામાં આઇઆરસીટીસી  પોતાના  વચન અનુસાર મુસાફરોને  વળતર આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે ડિરેલમેન્ટના કારણે કૃષક એક્સપ્રેસ 10 કલાક મોડી પડી હતી. તે સિવાય લખનઉ મેલ, પુષ્પક એક્સપ્રેસ અને ચંડીગઢ એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો મોડી પડી હતી.


દેશમાં પ્રથમવાર કોઇ ટ્રેન મોડી હોવાના કારણે મુસાફરોને વળતર મળશે. આઇઆરસીટીસીના ચીફ રીઝનલ મેનેજર અશ્વિની શ્રીવાસ્તવે કહ્યું કે, કૃષક એક્સપ્રેસના ડિરેલમેન્ટના કારણે લખનઉ જંક્શનથી આ ટ્રેન  પોણા  ત્રણ કલાક મોડા રવાના થઇ  હતી. જ્યારે દિલ્હી પહોંચતા આ ટ્રેન  સવા ત્રણ કલાક મોડી પડી હતી. પાછા ફરતા સમયે આ ટ્રેન નવી દિલ્હીથી લગભગ બે કલાક લેટ રવાના થઇ. એવામાં આઇઆરસીટીસી પોતાના વચન પ્રમાણે મુસાફરોને વીમા કંપની પાસેથી 250-250 વળતર આપશે. આ માટે  આઇઆરસીટીસીએ તમામ મુસાફરોને મોબાઇલ નંબર પર લિંક મોકલી દીધી છે. આ લિંક પર મુસાફરો ક્લેમ કરી શકે છે.