નવી દિલ્હીઃ આજે ભારતીય એરફોર્સ 87મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર ગાજિયાબાદના હિંડન એરબેઝ પર એરશોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં આઇએએફના જાંબાઝ કરતબ બતાવી રહ્યા છે અને દુનિયાને ભારતની શક્તિનો અહેસાસ બતાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં એરફોર્સના નવા વડા એરચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ પણ પ્રથમવાર એરફોર્સ અધ્યક્ષ તરીકે પરેડની સલામી લીધી હતી.


આરકેએસ ભદૌરિયાએ આજે બાલાકોટ એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આતંકવાદી હુમલાનો સામનો કરવામાં સરકારના વલણમાં ખૂબ મોટો ફેરફાર થયો છે. બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરવી એક રાજકીય સંકલ્પ હતો. આતંકી હુમલાનો સામનો કરવામાં સરકારના વલણમાં ફેરફાર આવ્યો છે. તેમણે પાકિસ્તાન તરફ ઇશારો કરતા કહ્યું કે, પાડોશનું વર્તમાન સુરક્ષા વાતાવરણ ચિંતાનો ગંભીર વિષય બન્યો છે. પુલવામા હુમલો સંરક્ષણ સંસ્થાઓ પર સતત ખતરાની યાદ અપાવે છે.


આ અગાઉ આર્મી ચીફ બિપિન રાવત, વાયુસેના અધ્યક્ષ આરકેએસ ભદૌરિયા અને નેવી ચીફ કમરબીર સિંહ નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને એરફોર્સને અભિનંદન આપ્યા હતા.