નવી દિલ્હીઃ ઇન્ડિયન એરફોર્સ ટૂંક સમયમાં દેશના 22 મહત્વના નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર પોતાના વિમાન ઉતારશે. આવું કરીને એરફોર્સ પોતાની તાકાતમાં વધારો કરવા માંગે છે. એરફોર્સ અગાઉ બે એક્સપ્રેસ વે યમુના અને આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ફાઇટર જેટ ઉતારી ચૂક્યું છે. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદથી એરફોર્સના આત્મવિશ્વાસ ટોચ પર છે.

દેશભરના વિવિધ રાજ્યોમા સ્થિત 22 હાઇવે અને એક્સપ્રેસ વે પર ફાઇટર અને ટ્રાન્સપોર્ટ વિમાન ઉતારી શકે છે. સંરક્ષણ મંત્રાલયે તમામ હાઇવેનું નિરીક્ષણ કર્યું છે. આ માટે પરિવહન મંત્રાલયે પોતાની સહમતિ આપી દીધી છે. કેટલાક હાઇવેની મંજૂરી મળી ગઇ છે. આ અગાઉ ગ્રેટર નોઇડાથી આગ્રા સુધીના યમુના એક્સપ્રેસ વે પર ફાઇટર એરક્રાફ્ટ ઉતારવાની પ્રેક્ટિસ કરી ચૂકી છે. આ લિસ્ટમાં યમુના અને આગ્રા-લખનઉ એક્સપ્રેસ વેનું નામ સામેલ છે. લખનઉ-બલિયા એક્સપ્રેસ વે પર પણ એરફોર્સની યાદીમાં સામેલ છે.

સૂત્રોના મતે આ યાદીમાં દિલ્હીથી મુરાદાબાદ એક્સપ્રેસ વેનું નામ પણ સામેલ છે. અહી વિમાનો ઉતારવાની મંજૂરી મળી ગઇ છે. જાણકારોના મતે આ હાઇવેને હવાઇ પટ્ટીના રૂપમાં વિકસિત કરવામાં આવશે જેના પર વાહન પણ ચાલશે અને જરૂર પડે તો વિમાન પણ ઉતરશે. છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, જમ્મુ, ઉત્તરાખંડ, ગુજરાત, પશ્વિમ બંગાળ, આસામ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન સહિતના રાજ્યોના હાઇવે પર વિમાન ઉતારવાની તૈયારી છે.