નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ MI-17 હેલિકોપ્ટરને અંગે મોટો ખુલાસો કર્યો છે. વાયુસેના ચીફ રાકેસ કુમારસિંહ ભદોરિયાએ કહ્યું કે પાકિસ્તાનમાં બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ વાયુસેનાએ કાશ્મીરમાં પોતાના જ હેલિકૉપ્ટરને તોડી પાડ્યું હતું. તે અમારી મોટી ચૂક હતી. તેઓએ કહ્યું કે આ ઘટના બાદ દોષી અધિકારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી.

વાયુસેના પ્રમુખે કહ્યું કે આ મામલે બે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. ઉચ્ચ સ્તરીય તપાસમાં ઓગસ્ટમાં સામે આવ્યું હતું કે ભારતીય વાયુસેનાની મિસાઈલે કાશ્મીરના બડગામમાં 27 ફેબ્રુઆરીએ સવારે એમઆઈ-17 હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. જ્યારે પાકિસ્તાન અને ભારતીય વાયુસેના વચ્ચે હવાઈ ઘર્ષણ થયું હતું.

ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનની સરહદની અંદર ઘુસીને બાલાકોટ સ્થિત આતંકી કેમ્પ પર એરસ્ટ્રાઈક કરી હતી.