નવી દિલ્હીઃ પાકિસ્તાનના F-16 વિમાનને તેના જ ઘરમાં ઘુસીને મારનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને જ્યારે આજે ગાઝિયાબાદના હિંડન એરબેસ ઉપરથી મિગ-21 બાઈસેન દ્વારા ફ્લાઈટ પાસ્ટ કર્યું ત્યારે સમગ્ર એરબેસ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું.


એરફોર્સ ડે પર આજે અભિનંદનની સાથે 3 મિગ-21 વિમાનો ઉડાન ભરી રહ્યા હતા. તેમનું નેતૃત્વ વીર ચક્ર વિજેતા અભિનંદન કરી રહ્યા હા. જેવી જ અભિનંદનની ફ્લાઈટ પાસ્ટી જાહેરાત થઈ કે સમગ્ર એરબેસ તાળીઓથી ગૂંજી ઉઠ્યું.



નોંધનીય છે કે, બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને ભારતીય એરસ્પેસનું ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન કર્યો હતો. પાકિસ્તાનના એક F-16 વિમાનને અભિનંદને તેને તોડી પાડ્યું હતું. F-16ની સામે મિગ-21 બાઇસેન ખૂબ જ જૂનું વિમાન મનાતું હતું. આ દરમ્યાન અભિનંદનનું વિમાન પણ ક્રેશ થઇ ગયું હતું અને તેમને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતા. ત્યારબાદ ભારતના જબરદસ્ત દબાણ બાદ તેમને છોડી દીધા હતા. આ પરમ વીરતા માટે અભિનંદનને વીર ચક્રથી સમ્માનિત કરાયા હતા.


એરફોર્સ ડેના દિવસે મિગ વિમાન સિવાય તેજસ, સારંગ હેલિકોપ્ટર, સુખોઇ અને ગ્લોબમાસ્ટર જેવા ઘાતક વિમાનોએ હવામાં કરતબ દેખાડ્યા. કાર્યક્રમ શરૂ થતા પહેલાં એરફોર્સ ચીફ રાકેશ ભદૌરિયાએ પોતાના સંબોધનમાં શહીદ જવાનોને યાદ કર્યા, સાથો સાથ એરફોર્સ દ્વારા પ્રાપ્ત કરાયેલ વિભિન્ન ઉપલબ્ધિઓ અંગે પણ જણાવ્યું.