નવી દિલ્હીઃ પાકિસ્તાન તરફથી વિંગ કમાન્ડર અભિનંદનને છોડવાને ભારતીય વાયુસેનાએ પડોશી દેશ તરફથી સદ્ભાવનો સંદંશ માનવાની ના પાડી દીધી છે. વાયુસેનાએ ગુરુવારે કહ્યું કે, તેને ખુશી છે કે પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલ વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે વતન પરત ફરશે. જોકે એરફોર્સે સ્પષ્ટ કર્યું છે કે, તેને ‘સદ્ભાવના સંદેશ’ તરીકે તેઓ નથી જોતા. એરફોર્સે સ્પષ્ટ કર્યં કે, પાકિસ્તાને આ માત્ર જિનીવા સંધિની શરતો અંતર્ગત કર્યું છે.




એર વાઈસ માર્શલ આરજીકે કપૂરે મીડિયાની સાથે વાતચીત કરતા કહ્યું અમે ખુશ છીએ કે અભિનંદન કાલે મુક્ત થઈ જશે અને અમને આશા હતી કે તે પરત ફરશે. વાયુસેના, થલસેના અને નૌસેનાની પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે આપણું સશસ્ત્ર દળ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે.



વાયુસેનાના ઉપપ્રમુખ આર જી કે કપૂરે કહ્યું અમે ખુશ છીએ કે અભિનંદન કાલે મુક્ત થઈ જશે અને અમને આશા હતી કે તે પરત ફરશે. તેમણે કહ્યું કે અભિનંદન જે મિગ 21 વિમાન ઉડાવી રહ્યા હતા તે હવાઈ સંઘર્ષ દરમિયાન ક્રેશ થઈ ગયું અને આ ક્રમમાં પાકિસ્તાનનું એફ-16 વિમાન તોડી પાડવામાં આવ્યું. તેમણે કહ્યું કે અભિનંદન સુરક્ષિતરીતે બહાર નીકળવામાં સફળ રહ્યા પણ તેમનું પેરાશૂટ પાકિસ્તાન તરફ જતું રહ્યું અને તેઓ ત્યારથી પાકિસ્તાનમાં છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુવારે તેમની સંસદમાં કહ્યું કે શાંતિના સંદેશ તરીકે ભારતીય પાઈલોટ અભિનંદનને કાલે મુક્ત કરવામાં આવશે.