Air India: શુક્રવારે (17 મે) દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-807 તેના AC યુનિટમાં આગ લાગ્યા બાદ પરત ફરી હતી, ત્યારબાદ સમગ્ર એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 175 મુસાફરો હતા. શુક્રવારે સાંજે 6.38 કલાકે ફ્લાઇટનું દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ થયું હતું.
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટ દિલ્હી પરત આવી ગઈ છે અને સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગઈ છે.
એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર
સૂત્રોએ પુષ્ટિ આપી કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ ફ્લાઈટને લેન્ડ કરવા માટે ઈમરજન્સી જાહેર કરવી પડી હતી. ફ્લાઇટ પહેલા બેંગલુરુમાં લેન્ડ થવાની હતી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી કોલ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને એરપોર્ટ પર એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે સુરક્ષા ટીમ અને ફાયર બ્રિગેડને તાત્કાલિક રનવે પર મોકલવામાં આવ્યા હતા.
એર ટ્રાફિક કંટ્રોલે પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપી
ANIએ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI એરપોર્ટ)ના અધિકારીઓને ટાંકીને આ ઘટનાની પુષ્ટિ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-807 શુક્રવારે સાંજે દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ટેક ઓફ કરતા પહેલા વિમાનની સંપૂર્ણ સુરક્ષા અને તકનીકી તપાસ કરવામાં આવી હતી. ચેકઅપ દરમિયાન પ્લેનમાં કોઈ ખામી જોવા મળી નથી. શુક્રવારે સાંજે 175 મુસાફરો સાથે વિમાને દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ફ્લાઈટ ટેકઓફ થતાની સાથે જ પાઈલટ પાસે ફાયર સિગ્નલો ચેતવણી આપવા લાગ્યા. પાયલોટે પ્લેન ફેરવ્યું અને એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી. મામલાની ગંભીરતાને સમજીને એર ટ્રાફિક કંટ્રોલે પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપી હતી. આ પછી પાયલટે સાંજે 6.38 કલાકે ફરીથી વિમાનને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું.
એર ઈન્ડિયાના વિમાન સાથે સંકળાયેલી આ સતત બીજી ઘટના છે. આ પહેલા ગુરુવારે (16 મે) દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને તેની ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. પુણે એરપોર્ટના રનવે પર એર ઈન્ડિયાનું વિમાન ટગ ટ્રેક્ટર સાથે અથડાયું હતું. તે ફ્લાઈટમાં 180 લોકો હાજર હતા અને તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.