નવી દિલ્હીઃ એર ઇન્ડિયાના ક્રૂ સભ્યોને દરેક ઉડાનની જાહેરાત બાદ ભરપૂર જોશ સાથે ‘જય હિંદ’ બોલવાનું રહેશે. એર ઇન્ડિયાએ સોમવારે એક સત્તાવાર નિવેદનમાં આ વાત કહી છે. એર ઇન્ડિયાના ઓપરેશન્સ ડાયરેક્ટર અમિતાભ સિંહ દ્વારા જારી પરામર્શમાં કહ્યું છે કે, ‘તાત્કાલીક પ્રભાવથી તમામ ક્રૂને દરેક જાહેરાતના અંતે થોડા સમય પછી તથા જોશની સાથે ‘જય હિંદ’ બોલવાનું રહેશે.’ આ અંગેનો નિર્ણય એર ઈન્ડિયાના ચેરમેન અશ્વની લોહાનીના આદેશ બાદ લેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
એર ઇન્ડિયાના ઓપરેશન્સ ડાયરેક્ટર અમિતાભ સિંહે કહ્યું કે વિમાન ચાલક દળના દરેક સભ્યોને દરેક ઉડ્ડયનની જાહેરાતના અંતે થોડા વિલંબ બાદ અને જોશપૂર્વક જય હિંદ બોલવાનું રહેશે. એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અશ્વની લોહાનીએ પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન મે 2016માં પણ પાયલોટોને આવા જ નિર્દેશ આપ્યાં હતાં. આ સંબંધે અધિકારીઓનું કહેવું છે કે વર્તમાન ફરમાન દેશના વલણ સાથે કર્મચારીઓ માટે રિમાઇન્ડર છે.
અશ્વની લોહાનીએ મે 2016માં પોતાના કર્મચારીઓને કહ્યું હતું કે વિમાનના કેપ્ટને મુસાફરી દરમિયાન પોતાના મુસાફરો સાથે જોડાયેલા રહેવું જોઇએ અને જય હિંદ બોલવાથી જોરદાર અસર પડશે. આ ઉપરાંત લોહાનીએ એમ પણ કહ્યું હતું કે કર્મચારીઓએ વિમાનના મુસાફરો સાથે વિનમ્ર રહેવું જોઇએ.