નવી દિલ્હી: એર ઇન્ડિયાને ટાટા સન્સની માલિકીની થઇ ગઇ હોવાના અહેવાલો વચ્ચે સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે આ મામલે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી અને જ્યારે આ મામલે કોઇ નિર્ણય લેવાશે ત્યારે જાણ કરવામાં આવશે. એર ઇન્ડિયા માટે ટાટા ગ્રુપ અને સ્પાઇસજેટના અજય સિંહે બોલી લગાવી હતી. આ બીજો પ્રયાસ છે જ્યારે એર ઇન્ડિયામાં પોતાની ભાગીદારી વેચવાનો પ્રયાસ કરી રહી છે. આ અગાઉ 2018માં સરકારે કંપનીમાં 76 ટકા ભાગીદારી વેચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં કોઇ રિસ્પોન્સ મળ્યો નહોતો.
અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે એર ઇન્ડિયાને ખરીદદાર મળી ગયો છે. ટાટા સન્સે એર ઇન્ડિયા માટેની હરાજી જીતી લીધી છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના સતાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયાના વેચાણ માટે લગાવવામાં આવેલી બોલીઓમાંથી સરકારે ટાટા ગ્રુપની પસંદગી કરી છે. ટાટા ગ્રુપ અને સ્પાઇસજેટના ચેરમેન અજય સિંહે એર ઇન્ડિયાને ખરીદવાની અંતિમ બોલી લગાવી હતી. એર ઇન્ડિયાને 1932માં ટાટા ગ્રુપે જ શરૂ કરી હતી. ટાટા જૂથના જે.આર.ડી ટાટા તેના ફાઉન્ડર હતા. ત્યારે એર ઇન્ડિયાનું નામ ટાટા એર સર્વિસ રાખ્યું હતું. 1938 સુધી કંપનીએ પોતાની ઘરેલુ સર્વિસ શરૂ કરી દીધી હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ તેને સરકારી કંપની બનાવી દીધી હતી. આઝાદી બાદ સરકારે તેમાં 49 ટકા ભાગીદારી ખરીદી હતી.
એર ઇન્ડિયાની ખરીદી બાદ ટાટા સન્સે 23,286.5 કરોડ રૂપિયાના દેવાનો બોજ ઉઠાવવો પડશે. વર્ષ 2007માં ઇન્ડિયન એરલાઇન્સમાં વિલય બાદ એર ઇન્ડિયાએ ક્યારેય નેટ પ્રોફિટ કર્યો નથી. વર્તમાન સમયમાં એર ઇન્ડિયા દેશમાં 4400 અને વિદેશમાં 1800 લેન્ડિંગ અને પાર્કિગ સ્લોટને કંન્ટ્રોલ કરે છે.
દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ વધ્યા
દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસો ઘટ્યા બાદ ફરી એકવાર વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 26 હજાર 727 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 277 લોકો મૃત્યુ પામ્યા હતા. આજે જાણો દેશમાં કોરોનાની હાલની સ્થિતિ શું છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 28 હજાર 246 લોકો સાજા થયા છે. જે બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધીને ત્રણ કરોડ 30 લાખ 43 હજાર 144 થઈ ગઈ છે. તે જ સમયે, હવે એક્ટિવ કેસ 2 લાખ 75 હજાર 224 થઈ ગયા છે. ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ત્રણ કરોડ 37 લાખ 66 હજાર 707 કેસ નોંધાયા છે, જેમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ચાર લાખ 48 હજાર અને 339 લોકોના મોત થયા છે.