એપ્રિલ મહિનાની શરૂઆત ગરમી સાથે થઈ હતી પરંતુ હવે હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના અપડેટ મુજબ દેશના ઘણા ભાગોમાં વરસાદ અને કરા પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ સુધી દેશના કોઈપણ ભાગમાં હીટવેવનો કહેર જોવા નહીં મળે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 26 એપ્રિલે લઘુત્તમ તાપમાન 22 અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાઈ શકે છે. આવતીકાલથી આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 1 સપ્તાહ સુધી વરસાદ અને ગાજવીજ પડી શકે છે.


ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બપોરે અથવા સાંજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ અને આંશિક વાદળછાયું રહેશે. અહીં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાઈ શકે છે જે મહત્તમ 35 ડિગ્રી સુધી પહોંચી જશે. ગાઝિયાબાદમાં દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે, જો કે, બપોર સુધી આંશિક વાદળછાયું બની શકે છે. અહીં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી જઈ શકે છે.


દેશના અનેક ભાગોમાં વરસાદની શક્યતા


હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ દેશના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. રિપોર્ટ અનુસાર, આજથી 27 એપ્રિલ સુધી પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો, આંધ્રપ્રદેશ, કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં, પુડુચેરી અને કારઈકલમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસશે.  આ સાથે હળવા ઝાપટા પણ પડી શકે છે. તામિલનાડુ અને તેલંગણામાં 27 એપ્રિલ સુધી મૂશળધાર વરસાદની સંભાવના છે.


આ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે


હવામાન વિભાગની આગાહી અનુસાર, મધ્ય મહારાષ્ટ્ર અને કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસ દરમિયાન મરાઠવાડા અને ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. આ સિવાય પહાડી વિસ્તારોમાં પણ હવામાન વરસી શકે છે. IMD અનુસાર, 26 એપ્રિલથી 29 એપ્રિલ સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવા/મધ્યમ છૂટાછવાયા વરસાદ સાથે હિમવર્ષા થવાની સંભાવના છે.


હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આજે એટલે કે 26 એપ્રિલે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગણા, વિદર્ભ, આંધ્રપ્રદેશ અને ઓડિશાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલયના ભાગો, નાગાલેન્ડ, સિક્કિમ, આંતરિક કર્ણાટકના ભાગો, મરાઠવાડા અને ઉત્તરાખંડમાં એક કે બે જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જમ્મુ અને હિમાચલમાં પણ વરસાદની સંભાવના છે.