નવી દિલ્હીઃ સરકારી એરલાઇન એર ઇન્ડિયાએ ગુરુવારે લગભગ 200 કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ અસ્થાયી રીતે ખત્મ કરી દીધો છે. જેમાં એર ઇન્ડિયાના પાયલટ પણ સામેલ છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, આ લિસ્ટમાં એ કર્મચારીઓ છે જેઓને નિવૃતિ બાદ ફરીથી તક આપવામાં આવી હતી. કોરોના વાયરસના કારણે તમામ સ્થાનિક અને ઇન્ટરનેશનલ ઉડાણો 14 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે.


 વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, લગભગ તમામ ઉડાણો રદ છે એવામાં ગયા સપ્તાહમાં કંપનીની આવકમાં ભારે ઘટાડો થયો હતો. જેને જોતો એરલાઇને નિર્ણય કર્યો છે કે જે કર્મચારીઓને નિવૃતિ બાદ તક આપવામાં આવી હતી તેમનો કોન્ટ્રાક્ટ અસ્થાયી રીતે રદ કરવામાં આવ્યો છે.

એર ઇન્ડિયાએ આ અગાઉ તમામ કર્મચારીઓને આપવામાં આવતા એલાઉન્ટમાં 10 ટકાનો ઘટાડો કર્યો હતો જેમાં કેબિન ક્રૂ પણ સામેલ છે. આ સરકારી કંપનીએ પોતાના કર્મચારીઓના આ એલાઉન્સમાં આગામી ત્રણ મહિના સુધી કાપ મુક્યો છે.