નવી દિલ્હી: સરકારી એરલાઈન કંપની એર ઈન્ડિયાએ ગુરુવારે 48 પાયલટોને નોકરીમાંથી બરતરફ કરી દીધાં છે. આ તે પાયલટ્સ છે, જેમણે ગત વર્ષે રાજીનામું આપી દીધું હતું પરંતુ નિયમો અનુસાર 6 મહીનાની નોટિસ પિરિયડની અંદર પોતાનું રાજીનામું પરત પણ લઈ લીધું હતું. તેમને એરલાઈનના એરબેઝ 320 વિમાનોની ઉડાનની જવાબદારી સોંપવામાં આવી હતી. આ નિર્ણયથી પાયલટોને ભારે નારાજગી વ્યક્ત કરી હતી.


આ પાયલટોના રાજીનામા પરત લેવાના નિર્ણયને પહેલા મંજૂર કરી લેવામાં આવ્યા હતા પરંતુ ગુરુવારે રાતે અચાનક આ નિર્ણય રદ્દ કરી દેવામાં આવ્યો હતો. સાથે તેમની સર્વિસને તાત્કાલિક પ્રભાવથી સમાપ્ત કરી દેવામાં આવી છે.

ટર્મિનેશન લેટરમાં એર ઈન્ડિયના આ નિર્ણય માટે કંપનીના કામકાજ પર નાણાકીય અડચણ અને કોવિડ-19ની અસરનો હવાલો આપવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ટર્મિનેટ કરવામાં આવેલા પાયલટોમાંથી કેટલાકે શુક્રવારે ઉડાન પણ ભરી હતી. એવામાં ટર્મિનેટ થયા બાદ તેમની માનસિક સ્થિતિનો અંદાજો લગાવી શકાય છે. પાયલટ કોર્ટમાં જવાની પણ તૈયાારી કરી રહ્યાં છે.

ઈન્ડિયન કમર્શિયલ પાયલટ એસોસિએશન (ICPA)એ એર ઈન્ડિયાન ચેરમેન અને એમડી રાજીવ બંસલને એક પત્ર લખ્યો છે, તેમાં પાયલટોને ગેરકાયદે ટર્મિનેટ કરવા વિરુદ્ધ તરત હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.