નવી દિલ્હીઃ દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાતમી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો હતો. બાદમાં વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કરી હતી.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના મહામારીના આ અસાધારણ સમયમાં સેવા પરમો ધર્મઃની ભાવના સાથે, પોતાના જીવનની ચિંતા કર્યા વિના આપણા ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ કર્મી, સફાઇ કર્મચારી, પોલીસ કર્મી, સેવા કર્મી, અનેક લોકો, 24 કલાક સતત કામ કરી રહ્યા છે. હું તેમના  પ્રત્યે આભાર પ્રગટ કરું છું.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિસ્તારવાદી વિચારસરણીએ ફક્ત કેટલાક દેશોને ગુલામ બનાવીને નથી છોડ્યા, વાત ત્યાં જ ખત્મ થઇ નથી. આ વિશ્વના દેશોના વિકાસ પર અસર પાડનારું પણ રહ્યું. એવામાં ભીષણ યુદ્ધો અને ભયાનકતા વચ્ચે પણ ભારતે આઝાદીની જંગ ધીમી પડવા દીધી નથી.

તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત ફક્ત એક શબ્દ નથી, સંકલ્પ બની ગયો છે. હું માનું છું કે તેની સામે અનેક પડકારો છે પરંતુ દેશના કરોડો નાગરિક તેને પુરો કરવાનો સંકલ્પ લે તો આ કાર્ય મુશ્કેલ નથી. આઝાદ ભારતની માનસિકતા વોકલ ફોર લોકલ હોવી જોઇએ.

આખરે ક્યાં સુધી આપણા ભારતમાં બનેલો કાચો માલ, ફિનિશ્ડ પ્રોડક્ટ બનીને ભારતમાં પાછો ફરતો રહેશે. આત્મનિર્ભર ભારતનો અર્થ ફક્ત આયાત ઓછી કરવાની નથી, આપણી ક્ષમતા, આપણી ક્રિએટિવિટી અને આપણી સ્કિલ્સને વધારવાની છે.