નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર પ્રદૂષણ મામલા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે હવા પ્રદૂષણના મુદ્દા પર કડક વલણ અપનાવ્યું હતું. પંજાબ, હરિયાણા અને દિલ્હીના મુખ્ય સચિવને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. સુનાવણી દરમિયાન પરાળી સળગાવતી રોકવામાં નિષ્ફળ પંજાબ સરકારના મુખ્ય સચિવની કોર્ટે ઝાટકણી કાઢી હતી.


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે,  નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઇને છોડવામાં નહી આવે. દિલ્હી-એનસીઆરમાં હવા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારી તંત્ર પરાલી સળગાવવા પર પ્રતિબંધ કેમ લગાવી શકતું નથી. પરાળી સળગાવવી સમાધાન નથી. સરકાર ખેડૂતો પાસેથી પરાળી એકઠી કેમ કરી શકતી નથી અથવા તેને ખરીદી કેમ શકતી નથી. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે શું તમે લોકો પ્રદૂષણને કારણે મરવા દેશો. શું તમે દેશને 100 વર્ષ પાછળ જવા દેશો. સુપ્રીમ કોર્ટે આ વિશે પંજાબના મુખ્ય સચિવને ફટકાર લગાવતા કહ્યુ કે અમે હાલમાં તમને સસ્પેન્ડ કરી દઇશું. જો આપનો જવાબ એ જ છે કે કેન્દ્ર સરકારને આ મામલે કંઈ કરવુ જોઈએ. આપ આપની સિસ્ટમને સંભાળવામાં નિષ્ફળ રહ્યા છો.

સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે ઉડાણોને ડાયવર્ટ કરવામાં આવી રહી છે અને લોકો પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. તેમ છતાં પણ તમને શરમ નથી આવી રહી. કોર્ટે કહ્યું કે, આ કરોડો લોકોનું જીવન અને મૃત્યુનો સવાલ છે. આપણે આ માટે સરકારને જવાબદાર ઠેરવવી જોઇએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો રાજ્ય સરકારોને લોકોની ચિંતા નથી તો તમારે સત્તામાં રહેવાનો કોઇ અધિકાર નથી.અમે વિચારી પણ શકતા નથી કે પ્રદૂષણના કારણે લોકો કઇ બીમારીઓથી પીડિત છે. તમે કલ્યાણકારી સરકારની અવધારણા ભૂલી ગયા છો, ગરીબ લોકોની કોઇ ચિંતા નથી, આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.