નવી દિલ્હીઃ જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ નષ્ટ કરવા માટે પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલ એરસ્ટ્રાઈક પર મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રો અનુસાર બુધવારે વાયુસેનાએ કેન્દ્ર સરકારને એરસ્ટ્રાઈક સાથે જોડાયેલ તમામ દસ્તાવેજ સોંપી દીધા છે. આ પુરાવામાં એરસ્ટ્રાઈકની તસવીર પણ સામલે છે. સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે, કેવી રીતે એર ફોર્સના મોટા ભાગના નિશાન યોગ્ય જગ્યાએ લાગ્યા છે.




સૂત્રો પ્રમાણે વાયુસેનાએ સરકારને 12 પાનનો રિપોર્ટ સોંપ્યો છે. જેમાં વાયુસેનાએ બાલાકોટનાં તે વિસ્તારની હાઈ રિઝોલ્યૂલેશન તસવીરો પણ મૂકી છે. જો કે, આ રિપોર્ટ જાહેર કરવામાં આવશે કે નહી તે અંગેનો નિર્ણય હવે મોદી સરકાર જ લેશે.

વાયુસેનાનાં પુરાવાઓ પ્રમાણે બાલાકોટમાં તેમણા 80 ટકા નિશાન યોગ્ય જગ્યાઓએ લાગ્યા હતા. એરસ્ટ્રાઈકમાં જ્યાં બોમ્બ ફેંકવામા આવ્યા તે સીધા બિલ્ડીંગની અંદર જઈને બ્લાસ્ટ થયા હતા. આ જ કારણ છે કે તબાહી થઈ તે ઈમારતોનાં અંદરનાં ભાગે થઈ છે. મિસાઈલોને સીધી છત પર ફેંકાઈ હતી જે છતને ભેદીને સીધી ટાર્ગેટ પર જઈ ચઢી હતી. એરફોર્સે રજુ કરેલા રિપોર્ટ પ્રમાણે બાલાકોટમાં કરાયેલી એરસ્ટ્રાઈકમાં હાજર તમામ ટાર્ગેટને નષ્ટ કરી દેવાયા હતા.