નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન આજે સ્વદેશ પરત ફરશે. ગુરુવારે પાકિસ્તાને અભિનંદનને છોડવાની જાહેરાત કરી હતી. અબિનંદનને લેવા માટે ચેન્નઈથી તેના માતા-પિતા જ્યારે ફ્લાઈટથી દિલ્હી પહોંચ્યા તો લોકોએ તાળીના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. મોડી રાત્રે અંદાજે દોઢ કલાકે તેઓ ચેન્નઈથી દિલ્હી પહોંચ્યા અને બાદમાં દિલ્હીથી ફ્લાઈટ ચેન્જ કરીને અમૃતસર જવા રવાના થયા.


આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે જ્યારે વિંગ કમાન્ડર અભિનંદનના માતાપિતા વિમાનમાં દાખલ થયા ત્યારે બાકીના પેસેન્જર્સને તેમના ખબર પડી હતી. સૌ કોઈએ ઉભા થઈ તાળી વગાડી તેમનું સ્વાગત કર્યું હતું. અભિનંદનના માતાપિતાએ પણ હાથ જોડી લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.

વિંગ કમાન્ડર અભિનંદનના પિતા પણ એરફોર્સના નિવૃત્ત અધિકારી છે. તેમની પત્નીએ પણ એરફોર્સમાં શોર્ટટર્મ જોબ કર્યા બાદ પાઈલટ તરીકે જ નિવૃત્તિ લીધી હતી અને હાલ તેઓ બેંગલોરમાં એક ખાનગી કંપનીમાં કાર્યરત છે.