પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવાની ઘોષણા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ અનૌપચારિક પ્રતિક્રિયા આવી છે. ‘નેશનલ સાયન્સ-ડે’ પર વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈશારાઓમાં અભિનંદનની ચર્ચા કરી હતી. વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, તમે તો લેબોરેટરીમાં જિંદગી પસાર કરનારા લોકો છો અને તમારામાં પહેલા પાઈલટ પ્રોજેક્ટ કરવાની પરંપરા હોય છે. પાઈલટ પ્રોજેક્ટ થયા બાદ સ્કેલેબલ કરવામાં આવે છે.



PMએ આગળ કહ્યું હતું કે, હમણાં-હમણાં પાઈલટ પ્રોજેક્ટ થઈ ગયો છે. હવે રિયલ થશે. PMએ ભલે ઈશારાઓમાં ઈશારાઓમાં કહ્યું છતાં પણ સભામાં તાળીઓ વાગવા લાગી હતી. PM થોડું અટક્યા અને પછી કહ્યું, હવે રિયલ કરવાનું છે. પહેલા તો પ્રેક્ટિસ હતી.



ત્યાર બાદ PMએ કહ્યું હતું કે, અને રિયલ એ છે કે પુરસ્કાર મેળવનારાઓને આપણે બધાં સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું. ત્યાર બાદ બધાં ઊભા થઈ તાળીઓ પાડવા લાગ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, જ્યારે ઈચ્છાશક્તિ હોય ત્યારે મર્યાદિત સંસાધનોમાં પણ કેવી રીતે અદભુત પરિણામો આપી શકાય છે.



તેનું ઉદાહરણ આપણો અંતરિક્ષ કાર્યક્રમ છે. PM મોદીના આ કાર્યક્રમના લગભગ અડધા કલાક પહેલાં જ પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા PM ઈમરાન ખાને ભારતીય વિંગ કમાન્ડરને કાલે છોડવાની ઘોષણા કરી હતી.