નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા કેંદ્ર સરકારે એયરપોર્ટને લઈ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં એરપોર્ટ પર માસ્ક ન પહેરવા અને કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવા કેંદ્ર સરકારે આદેશ કર્યા છે.  સરકારે હવાઈ મુસાફરી કરનારા લોકો માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તેના અંતર્ગત મુસાફરોને ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવું પડશે. 


ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) અનુસાર, જો મુસાફર આ નિયમોનું પાલન નહીં કરે તો તેને સુરક્ષા એજન્સીઓને સોંપી દેવામાં આવશે અને ચેતવણી આપ્યા બાદ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.  પ્રવાસ દરમિયાન પણ  પ્રવાસીઓએ નિયમોનું પાલન કરવું પડશે.  જો કોઈ પણ વ્યક્તિ આ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરાશે. 


એરપોર્ટના પ્રવેશદ્વાર પર તહેનાત સુરક્ષાકર્મી એ ખાતરી કરશે કે કોઈને પણ માસ્ક વગર એરપોર્ટની અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. CASO અને સુપરવિઝન અધિકારીઓએ વ્યક્તિગત રૂપે આ સુનિશ્ચિત કરવું આવશ્યક છે.


વિમાનમાં જો કોઇ મુસાફર વારંવાર ચેતવણી છતાં યોગ્ય રીતે માસ્ક નહીં પહેરે તો તેને ટેક ઓફ પહેલાં જ ડી-બોર્ડ કરી દેવાશે. જો વિમાનમાં કોઇ મુસાફર માસ્ક પહેરવાની ના પાડે અથવા ચેતવણી બાદ પણ પ્રોટોકોલનું ભંગ કરે તો આવા મુસાફરોને અનરુલી પેસેન્જર્સની કેટેગરીમાં નાંખી દેવાશે.