મધ્યપ્રદેશ: જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ વધુ એક કોંગ્રેસ નેતા કમલનાથ સરકારથી નારાજ, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Feb 2020 12:23 PM (IST)
કમલનાથ સરકાર સામે પોતાના જ નેતાઓ દ્વારા નારાજગીને લઇ વિપક્ષને પણ પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે.
ભોપાલ: મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી કમલનાથ વચ્ચે કડવાશ છે તે સૌ કોઈ જાણે છે. ત્યારે હવે શિવરાજ સિંહ સરકાર દરમિયાન વિપક્ષના નેતા રહેલા અજય સિંહે પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા રહેલા અજય સિંહે શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, હું ઘણા વિકાસના કામો કરવા માંગુ છું, યુવાનોને રોજગાર આપવા માંગુ છું અને અહીં સિંચાઈ પ્રણાલીમાં સુધારો કરવા ઇચ્છુ છું. પરંતુ મારી વાતને સાંભળવામાં નથી આવતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ એ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે સરકારે રાજ્યમાં ખેડૂતોમાં કરવામાં આવેલા દેવામાફીના વાયદાને પૂરો નથી કર્યો. જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ હવે કોંગ્રેસ નેતા અજયસિંહે પણ કમલનાથ સરકાર વિરુદ્ધમાં નિવેદન આપ્યું છે. કમલનાથ સરકાર સામે પોતાના જ નેતાઓ દ્વારા નારાજગીને લઇ વિપક્ષને પણ પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે.