કન્હૈયા કુમારે ટ્વીટ કરી કહ્યું, દિલ્હી પોલીસ અને સરકારી વકીલોને આગ્રહ છે કે તેઓ આ કેસને ગંભીરતાથી લે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી ટ્રાયલ થાય અને ટીવીવાળી અદાલતને બદલે કાયદાની અદાલતમાં ન્યાય સુનિશ્ચિત કરવામાં આવે. સત્યમેવ જયતે.
કન્હૈયા કુમારે અન્ય એક ટ્વિટમાં કહ્યું, રાજકીય લાભો માટે અને પાયાના સવાલોથી ધ્યાન હટાવવા રાજદ્રોહના કાયદાનો કેવી રીતે દુરુપયોગ થાય છે અને એ લોકોને ખબર પડે તે માટે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની જરૂર છે.
દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીમાં લાગેલા કથિત રીતે દેશ વિરોધી નારાઓ મામલે સ્પેશ્યલ સેલને મંજૂરી આપી દીધી છે. દિલ્હીની કેજરીવાલ સરકારે આ મંજૂરી આપી છે. હવે જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 9 ફેબ્રુઆરી 2016માં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં કથિત રીતે ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા હોવાની ઘટના બની હતી. આ મામલામાં પોલીસે કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અર્નિબાન સમેત સાત લોકોને આરોપી બનાવ્યા હતા અને તેમની પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.
પોલીસે આ કેસમાં 3 વર્ષ પછી ચાર્જશીટ દાખલ કરી પરંતુ કેસ ચલાવવા માટે દિલ્હી સરકારની મંજૂરી જરૂરી હતી. તાજેતરમાં દિલ્હી સરકાર આ કેસ ચલાવવાની મંજૂરી આપે તે માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ થઈ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તે અરજી ફગાવી દીધી હતી. હવે દિલ્હી સરકારે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.